1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
  4. gujarati crime news

કચ્છના અંજારમાં સંબંધો શર્મસાર: બોયફ્રેન્ડ સાથે વાત કરવા મુદ્દે પિતાએ દીકરી પર ગુજાર્યો બળાત્કાર, માતાએ ફોટા પાડ્યા

Gujarat News
કચ્છના અંજાર શહેરમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત ગંભીર અને ચકચારજનક ઘટના સામે આવી છે. અહીં એક સગીર દીકરી તેના બોયફ્રેન્ડ સાથે વાત કરતી હોવાની બાબતથી નારાજ થઈને તેના જ માતા-પિતાએ તેને સતત ત્રણ દિવસ સુધી ઘરમાં પૂરી રાખી હતી. આ ગોંધી રાખવાના સમયગાળા દરમિયાન પિતાએ જ પોતાની સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની આઘાતજનક વિગતો બહાર આવી છે.

માતાની ભૂમિકા શંકાસ્પદ

 
પિતાના કુકર્મમાં સાથ આપી ફોટા પાડ્યા આ સમગ્ર કાળજા કંપાવી દેનારી ઘટનામાં માતાની ભૂમિકા પણ અત્યંત શરમજનક રહી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પિતા જ્યારે દીકરી પર અત્યાચાર આચરી રહ્યો હતો ત્યારે માતાએ તેને મદદ કરી હતી. આટલું જ નહીં, માતાએ પોતાની જ સગીર દીકરીના વાંધાજનક અને ગંદા ફોટા પણ પોતાના ફોનમાં પાડ્યા હતા. માતા-પિતાના આ અમાનવીય વર્તનથી આઘાત પામેલી દીકરી આખરે હિંમત ભેગી કરીને પોલીસના શરણે પહોંચી હતી.
 

સગીરાએ પોલીસનો સંપર્ક કર્યો, પોક્સો હેઠળ ગુનો નોંધાયો 

 
સતત ત્રણ દિવસ સુધી શારીરિક અને માનસિક યાતનાઓ સહ્યા બાદ સગીરાએ અંજાર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર આપવીતી જણાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંજાર પોલીસે તુરંત જ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પિતા અને માતા વિરુદ્ધ પોક્સો (POCSO) સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને બંને આરોપી માતા-પિતાની અટકાયત કરી લીધી છે અને આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.

112 નંબર પર કોલ કરીને સગીરાએ મેળવી મદદ 

 
 પોલીસ ઇન્સ્પેક્ટર ઘટના અંગે વધુ માહિતી આપતા અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાએ જણાવ્યું હતું કે, છોકરીએ બે-ત્રણ દિવસ પહેલા પણ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો, પરંતુ પોલીસ વાહન સ્થળ પર પહોંચે તે પહેલા જ પિતાએ ફોન બંધ કરી દીધો હોવાથી પરિવારનું લોકેશન શોધવામાં મુશ્કેલી પડી હતી. શુક્રવારે સગીરાએ ફરીથી હિંમત કરી 112 નંબર પર કોલ કર્યો અને પોતાના પર થઈ રહેલા જાતીય શોષણની જાણ કરી હતી, જેના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેને ઉગારી લીધી હતી.
 
આગળનો લેખ
તિલક વર્મા ODI માં નંબર 3 પર વિરાટ કોહલીનું સ્થાન લેશે, ભૂતપૂર્વ ક્રિકેટરે વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી પછી આપ્યું આ નિવેદન