CNG કારમાં બ્લાસ્ટ વીડિયો - કરજણ નજીક નેશનલ હાઈવે પર CNG પંપ પર કારમાં પ્રચંડ બ્લાસ્ટ, સુરક્ષા નિયમોના પાલનથી મોટી જાનહાનિ ટળી
Karjan CNG Tank Explosion
Vadodara News: કરજણ નેશનલ હાઈવે-48 પર આવેલ સીએનજી પંપ પર કારમાં ગેસ ભરાવતી વખતે એક પ્રચંડ બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગેસ પૂરાવતી વખતે અચાનક જ કારની સીએનજી ટેન્ક ધડાકા સાથે ફાટી નીકળી હતી. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે કારના પાછળના ભાગના પતરા અને કાચના ટુકડા દૂર-દૂર સુધી વેરવિખેર થઈને ફેંકાયા હતા.
અચાનક થયેલો પ્રચંડ ધડાકો
કરજણ નેશનલ હાઈવે પર જિંદાલ કંપની સામે આવેલા સીએનજી પંપ પર એક કાર ચાલક ગેસ પુરાવવા માટે આવ્યો હતો. સુરક્ષાના નિયમ મુજબ કારમાંથી તમામ મુસાફરો નીચે ઉતરી ગયા બાદ પંપના કર્મચારીએ ગેસ ભરવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાતા અચાનક જ પ્રચંડ ધડાકા સાથે કારની સીએનજી ટેન્ક ફાટી હતી.
CNG Pump Blast : A major blast occurred at a CNG pump near Karjan while a vehicle was being refuelled.
— Dilip Kshatriya (@Kshatriyadilip) October 3, 2026
One person seriously injured and shifted to hospital. Two vehicles badly damaged, reportedly blown apart by the blast.Panic at the pump; CCTV footage surfaces. pic.twitter.com/xfAX0xAD7n
ઘટનાસ્થળે દોડધામ અને અન્ય વાહનોને નુકસાન
ધડાકાનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારમાં ફાળ પડી હતી અને પંપ પર હાજર લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ બ્લાસ્ટના પરિણામે કારનો પાછળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. આ સાથે જ બ્લાસ્ટના ઝાટકા અને કાચના ટુકડા વાગવાથી નજીકમાં ઊભેલા અન્ય બે વાહનોને પણ આંશિક નુકસાન પહોંચ્યું હતું.
ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો સ્થળ પર
દુર્ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે સુરક્ષાના તમામ પગલાં લઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ વિસ્તારને તુરંત સુરક્ષિત કરવામાં આવ્યો હતો જેથી કરીને પંપ પર અન્ય કોઈ અનિચ્છનીય બનાવ કે આગ લાગવાની ઘટના ન બને.
સુરક્ષા નિયમોના પાલનથી મોટી જાનહાનિ ટળી
સીએનજી ટેન્ક ફાટવાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં ટેન્કની ગુણવત્તા કે હાઈડ્રો-ટેસ્ટિંગની મુદત પૂર્ણ થવા જેવા પાસાં ચકાસવામાં આવી રહ્યા છે. ગેસ ભરાવતી વખતે કારમાંથી બહાર ઉતરી જવાના નિયમનું પાલન થયું હોવાથી અંદર સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો, જેને પગલે પંપ સંચાલકોએ તમામ વાહનચાલકોને સુરક્ષા નિયમોનું કડક પાલન કરવા અપીલ કરી છે.
