ગુજરાતમાં કર્મચારીઓની સુરક્ષા માટે મોટો નિર્ણય: ESIC યોજના હેઠળ તમામ જિલ્લાઓ આવરી લેવાશે, ડિસ્પેન્સરીઓ વધશે
bhupendra patel
ગુજરાતના કર્મચારીઓની સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25 સપ્ટેમ્બર 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, 1 ઓક્ટોબરથી રાજ્યમાં ESIC (કર્મચારી રાજ્ય વીમા) યોજનાનું વિસ્તૃત અમલીકરણ કરવામાં આવશે. રાજ્યના તમામ 31 જિલ્લાઓને પૂર્ણપણે આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી અંદાજે 8 થી 10 લાખ નવા શ્રમિકોને સામાજિક અને તબીબી સુરક્ષા કવચ પ્રાપ્ત થશે.
તમામ બિન-અમલવાળા અને આંશિક રીતે આવરી લેવાયેલા વિસ્તારોનો સમાવેશ
સરકારના આ મહત્વકાંક્ષી નિર્ણયથી રાજ્યના જે વિસ્તારોમાં અત્યાર સુધી ESIC યોજના અમલમાં નહોતી અથવા અંશતઃ અમલીકરણ હેઠળ હતી તે તમામ વિસ્તારોને હવે સંપૂર્ણપણે આ દાયરામાં લાવી દેવાયા છે. આંશિક અમલીકરણ ધરાવતા 16 જિલ્લાઓના બાકી રહી ગયેલા વિસ્તારો તેમજ બિલકુલ અમલવારી ન ધરાવતા15 જિલ્લાઓને હવે સંપૂર્ણપણે ESIC યોજના સાથે જોડી દેવામાં આવશે.
શ્રમિકોને ઘરઆંગણે મળશે શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ, ડિસ્પેન્સરીઓમાં થશે વધારો
શ્રમિકો અને તેમના પરિવારજનોને પોતાના ઘરઆંગણે જ ઉત્કૃષ્ટ અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે તબીબી માળખાને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં કાર્યરત 103 ESIC ડિસ્પેન્સરીઓની ક્ષમતા અને સંખ્યામાં મોટો વધારો કરવામાં આવશે. આ નિર્ણયથી શ્રમિકોને નજીકના સ્થળે જ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહેશે અને તેમના આરોગ્યવિષયક ખર્ચમાં મોટી રાહત મળશે.
