ગેસ સિલિન્ડરનો ભયાનક વિસ્ફોટ, બે માળનું મકાન ધરાશાયી; 5 લોકોનાં મોત
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગેસ સિલિન્ડર ફાટતાં ભયાનક અકસ્માત સર્જાયો છે. સોમવારે સાંજે લગભગ 5:30 વાગ્યે માલવાં પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, એક ઘરમાં રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બે માળનું સિમેન્ટનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું. ઘરમાં હાજર લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
વિસ્ફોટનો અવાજ લગભગ 2 કિલોમીટર સુધી સંભળાયો હતો. આસપાસનાં 4થી 5 જેટલાં મકાનોને પણ નુકસાન થયું હતું. કેટલાક મકાનોની છત, દિવાલો અને બીમને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
કાટમાળ નીચે દટાઈ જવાથી 5 લોકોનાં મોત
આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દટાઈ જવાથી 5 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 9 વર્ષીય વેદ ગુપ્તા, 15 વર્ષીય અર્પિત ગુપ્તા, 7 વર્ષીય ટુક્કુ અને 11 વર્ષીય કુણાલ ગુપ્તાનો સમાવેશ થાય છે. અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.
ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. 26 વર્ષીય આલોક ગુપ્તા, સોનાલાલ ગુપ્તા સહિત એક મહિલા ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોમાંથી એક વ્યક્તિ લગભગ 90 ટકા દાઝી ગઈ હોવાથી વેન્ટિલેટર પર છે અને તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
વિસ્ફોટથી આસપાસનાં મકાનોને પણ નુકસાન
સિલિન્ડર વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે નજીકનાં અનેક મકાનોને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે કે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ કયા કારણોસર થયો હતો.
