1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Rajkot news

રાજકોટમાં ગણેશ વિસર્જન સમયે કરુણાંતિકા: ઊંડા પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

drowned
ઊંડા પાણીમાં ગરકાવ થતાં એક જ પરિવારના ૩ લોકોના મોત રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર આવેલ ખોડિયાર મંદિર પાસે, અજય વે-બ્રિજ સામેના જળાશયમાં ગણેશ વિસર્જન દરમિયાન એક અત્યંત હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. ગણેશજીની મૂર્તિ પધરાવવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યો અચાનક ઊંડા પાણીમાં ખાબકતા ડૂબી ગયા હતા. આ ઘટનાને પગલે વિસર્જનના પવિત્ર માહોલ વચ્ચે શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

મૃતકોની ઓળખ અને પરિવારમાં અરેરાટી 

 
આ કરૂણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ત્રણેય મૃતકો એક જ ચૌહાણ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ નયનભાઈ ચૌહાણ, ધીરુભાઈ ચૌહાણ અને નરેન્દ્રભાઈ ચૌહાણ તરીકે થઈ છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ આશાસ્પદ સભ્યોના અકાળે અવસાનથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
 

સ્થાનિક તંત્ર, સરપંચ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા 

 
દુર્ઘટનાની જાણ થતાં જ મૃતકોના સગા દિલીપભાઈ ચૌહાણ, ગામના સરપંચ લાભુભાઈ તેમજ એરપોર્ટ પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહમત બાદ ત્રણેય મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી, પંચનામું કરી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગણેશ વિસર્જન વખતે રાખવાની અગત્યની સાવચેતીઓ

 
 ગણેશ વિસર્જન જેવા પ્રસંગોએ આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કેટલીક ખાસ સાવચેતી રાખવી અનિવાર્ય છે. વિસર્જન માટે હંમેશા તંત્ર દ્વારા નક્કી કરાયેલા સુરક્ષિત ઘાટ કે કૃત્રિમ કુંડનો જ ઉપયોગ કરવો જોઈએ. અજાણ્યા કે ઊંડા જળાશયો, નદીઓ અને તળાવોમાં ઊંડે સુધી જવાનું ટાળવું જોઈએ અને નાના બાળકો તથા તરતા ન આવડતું હોય તેવા લોકોને પાણીથી દૂર રાખવા જોઈએ. આ ઉપરાંત, વિસર્જન સમયે ઉતાવળ કે ઉત્સાહમાં નદી-તળાવના કિનારે જવાને બદલે સ્થળ પર તૈનાત લાઈફગાર્ડ, પોલીસ કે સ્થાનિક સ્વયંસેવકોની સૂચનાઓનું ચુસ્તપાલન કરવું જોઈએ.
આગળનો લેખ
અમદાવાદમાં રોગચાળાનો વિસ્ફોટ: મચ્છરોનું બ્રીડિંગ મળતા AMCએ રૂ.6 લાખનો દંડ ફટકાર્યો