1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. UCC law in Gujarat,

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ: રાષ્ટ્રપતિની મંજૂરી બાદ રાજ્યમાં લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન સંબંધોના નિયમો બદલાયા

ucc in gujarat
ucc in gujarat

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code—UCC) લાગુ કરવાની પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ કાનૂની સીમાચિહ્ન પાર થઈ ગયું છે. ગુજરાત વિધાનસભા દ્વારા અગાઉ માર્ચ 2026માં પસાર કરવામાં આવેલા 'ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ બિલ, 2026' ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 17 સપ્ટેમ્બર 2026ના રોજ સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
 
કાયદાનો મૂળભૂત હેતુ
આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્ન, છૂટાછેડા, વારસો, ભરણપોષણ અને લિવ-ઇન સંબંધો જેવા વ્યક્તિગત નાગરિક મામલાઓમાં ધર્મ આધારિત અલગ-અલગ જોગવાઈઓને દૂર કરીને એકસમાન કાનૂની માળખું ઊભું કરવાનો છે. આ સાથે ઉત્તરાખંડ પછી UCC તરફ આગળ વધનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે.
 
લગ્નની નોંધણી અનિવાર્ય
નવા નિયમો અનુસાર ગુજરાતમાં લગ્નની સત્તાવાર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. લગ્ન થયાના 60 દિવસની અંદર આ નોંધણી કરાવવાની જોગવાઈ રાખવામાં આવી છે અને જો આ સમયમર્યાદામાં વિલંબ થાય તો 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારી શકાય છે. જો કે, માત્ર રજિસ્ટ્રેશન ન કરાવવાના કારણે લગ્ન આપમેળે અમાન્ય ગણાશે નહીં
.
બહુવિવાહ અને બળજબરીના લગ્ન પર પ્રતિબંધ
UCC હેઠળ એકથી વધુ લગ્ન એટલે કે બિગેમી કે પોલિગેમી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના દબાણ, બળજબરી કે છેતરપિંડીથી લગ્ન કરાવવાના ગંભીર કિસ્સામાં 7 વર્ષ સુધીની જેલની સજાની કડક જોગવાઈ કરવામાં આવી છે.
 
છૂટાછેડા માટે સમાન કાનૂની નિયમો
આ કાયદા હેઠળ તમામ લાગુ પડતા નાગરિકો માટે છૂટાછેડાની પ્રક્રિયા અને તેના આધારોને એકસમાન કાનૂની માળખામાં આવરી લેવામાં આવ્યા છે. બિલની જોગવાઈ મુજબ લગ્ન થયાના પ્રથમ 1 વર્ષ સુધી છૂટાછેડા માટે સામાન્ય રીતે અરજી કરી શકાતી નથી.
 
પુનઃલગ્ન અને મહિલાઓની સુરક્ષા
છૂટાછેડા બાદ મહિલાઓના પુનઃલગ્ન અંગે પણ કાયદાકીય સુરક્ષા અને સ્પષ્ટ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. અગાઉના લગ્નના આધારે મહિલાના પુનઃલગ્ન ઉપર કોઈપણ પ્રકારની ધાર્મિક કે અન્યાયી શરતો લાદી શકાશે નહીં તેવી દિશામાં સુરક્ષા આપવામાં આવી છે.
 
વારસામાં દીકરા અને દીકરીને સમાન હક
વારસાગત મિલકતના મામલે ઐતિહાસિક પરિવર્તન લાવતા પુત્ર અને પુત્રી બંનેને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. કાયદામાં વારસદારોની ચોક્કસ શ્રેણી નક્કી કરીને પારિવારિક મિલકતના હકો અંગે પારદર્શક અને સમાન નિયમો બનાવવામાં આવ્યા છે.
 
 લિવ-ઇન સંબંધોનું ફરજિયાત રજિસ્ટ્રેશન
ગુજરાત UCCની સૌથી ચર્ચાસ્પદ અને મહત્વની જોગવાઈઓમાં લિવ-ઇન સંબંધોનું ફરજિયાત રજિસ્ટ્રેશન સામેલ છે. સંબંધ શરૂ થયાના નિર્ધારિત સમયમાં નોંધણી કરાવવી પડશે અને જો નિયમનું ઉલ્લંઘન થાય તો 10,000 રૂપિયા સુધીનો દંડ કે 3 મહિના સુધીની કેદની જોગવાઈ છે. જો બંનેમાંથી કોઈની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો વાલીને જાણ કરાશે.
 
 લિવ-ઇનમાં જન્મેલાં બાળકો અને ભરણપોષણ
લિવ-ઇન સંબંધોમાંથી અલગ થવાના કિસ્સામાં મહિલાઓને ભરણપોષણનો દાવો કરવાનો કાનૂની અધિકાર મળે છે. આ ઉપરાંત, આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર સંતાન તરીકે સ્વીકારીને તેમના વારસાના હકો અને ભરણપોષણને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
 
આદિવાસી સમાજને અપાઈ વિશેષ છૂટ
આ કાયદાની વ્યાપક અસરો વચ્ચે અનુસૂચિત આદિજાતિ (ST) સમાજને UCCની જોગવાઈઓમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યો છે. બંધારણ હેઠળ સુરક્ષિત પરંપરાગત અધિકારો અને રૂઢિગત કાયદાઓ ધરાવતા આ જૂથો પર આ નવો કાયદો લાગુ થશે નહીં.
 
આગળનો લેખ
યુઝવેન્દ્ર ચહલે લીધો મોટો નિર્ણય, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી રીટાયરમેન્ટની કરી જાહેરાત