ફ્લાઇટ દુર્ઘટના ટાળનાર પાઇલટ સ્મિત માછરની બહાદુરીને સીએમ ભૂપેન્દ્ર પટેલે બિરદાવી; કહ્યું- "ગુજરાત અને દેશને ગર્વ છે"
cm patel and smit machhar
અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે ફ્લાઈદુબઈની ઉડાન FZ1073 ના ભારતીય પાઇલટ સ્મિત માછર (સ્મિત મચ્છાર) ની અસાધારણ હિંમત અને સુઝબુઝની ભારે પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે દેશ અને સમગ્ર ગુજરાત રાજ્યને તેમના સાહસ પર ખૂબ જ ગર્વ છે. મૂળ ગુજરાતી એવા કેપ્ટન સ્મિત માછર પર દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટ દરમિયાન ઓમાની નાગરિક એવા સહ-પાયલટે અચાનક હુમલો કરી દીધો હતો. છરીના આ ભયાનક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં, તેમણે અદ્ભુત ધૈર્ય દાખવીને વિમાન, કેબિન ક્રૂ અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
સોશિયલ મીડિયા પર સીએમ પટેલનો ભાવુક સંદેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, "ગુજરાત અને સમગ્ર દેશને કેપ્ટન સ્મિત માછર પર ખૂબ જ ગર્વ છે. હવામાં હજારો ફૂટની ઊંચાઈએ તેમણે જે અદમ્ય હિંમત અને બહાદુરી દર્શાવી તે ખરેખર અકલ્પનીય છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ગંભીર ઇજાઓ પહોંચી હોવા છતાં, તેમણે હુમલાખોરનો મક્કમતાથી સામનો કરીને એક મોટી વિમાન દુર્ઘટના ટાળી દીધી હતી અને ફ્લાઇટમાં સવાર ૧૭૪ જેટલા મુસાફરોના અમૂલ્ય જીવ બચાવ્યા હતા.
Gujarat and the entire nation are immensely proud!
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 1, 2026
The indomitable courage and valour displayed by Captain Smit Machchhar in the skies is truly unimaginable. Despite being seriously injured, he fought back against the attacker, averting a major tragedy and saving the lives of…
ગુજરાતી લોહી અને અસાધારણ વીરતાને સલામ
કેપ્ટન સ્મિત માછરના સાહસને બિરદાવતા સીએમ પટેલે આગળ લખ્યું કે, "તેઓ એક ગૌરવશાળી ભારતીય છે અને તેમની નસોમાં ગુજરાતી લોહી વહે છે, જે આપણા દૃઢ નિશ્ચય, હિંમત અને સંસ્કારોનું સાચું પ્રતીક છે. ગુજરાતી મૂળના આ બહાદુર પુત્રએ પોતાની કામગીરીથી વૈશ્વિક મંચ પર સમગ્ર રાષ્ટ્રનું શિર ગર્વથી ઊંચું કર્યું છે. હું તેમની આ અસાધારણ વીરતાને સાચા દિલથી સલામ કરું છું અને તેઓ ટૂંક સમયમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મિત માછરને "હીરો" ગણાવ્યા
મુખ્યમંત્રી અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાઇલટ સ્મિત માછરની શૌર્યતાની પ્રશંસા કરતા તેમને સાચા અર્થમાં "હીરો" ગણાવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું હતું કે ગંભીર જોખમ વચ્ચે પોતે લોહીલુહાણ થયા હોવા છતાં, તેમણે જરાય ડગમગ્યા વિના સેંકડો જીવ બચાવવાનો સંકલ્પ પૂર્ણ કર્યો. તેમની આ અદ્ભુત બહાદુરીને કારણે જ એક ભયાનક વિમાન દુર્ઘટના ટળી શકી છે. પીએમ મોદીએ પણ ભારત તરફથી ગર્વ વ્યક્ત કરીને કેપ્ટન માછરના ઝડપી સ્વાસ્થ્ય સુધારા અને ઉત્તમ આરોગ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
