Valsad Heavy Rain - વાપીમાં વરસાદથી હાહાકાર મચ્યો.સરીગામમાં ફસાયેલા 100થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા
વાપી વિસ્તારમાં 24 કલાકમાં 17.5 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. ચાલુ વરસાદે અધિકારીઓની ટીમે વાપી જીઆઇડીસી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે દિવાલો તોડાવી પાણીનો નિકાલ કર્યો હતો. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયાં હતાં. વરસાદના કારણે વાપી વાસીઓની સ્થિતિ દયનીય બની હતી. નીંચણવાળા વિસ્તારના લોકોના ઘરમાં પાણી ઘુસી ગયાં હતાં.
ભારે વરસાદ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા દિવાલો તોડવાની પણ ફરજ પડી હતી. વાપી જીઆઇડીસીના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં સ્થિતિ કથળી હતી. ચણોદમાં 78 જેટલા ઘરો તથા દુકાનમાં વરસાદી પાણી ઘુસી ગયાં હતાં. જેના કારણે લોકોનો માલસામાનને ભારે નુકસાન થયું હતું. માલસામાનને બચાવવા લોકોએ મુશ્કેલી વેઠવી પડી હતી. સ્થિત સેલવાસ મુખ્ય રોડ, અમરનગર, ભુલાનગર, વિનસ સ્કુલ પાસે રસ્તા પર પાણી ભરાયાં હતાં.ઉમરગામમાં દારૂઠા ખાડીમાં પુર આવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.રાત્રે એકાએક પાણીના લીધે લોકોને ઘરમાંથી નીકળવાનો મોકો આપ્યો ન હતો.
ભીલાડની દારૂઠા ખાડીમાં પુર આવતા કિનારે આવેલા સરીગામના ખાડી ફળિયામાં પાણી ફરી વળતા બે મુસ્લિમ પરિવારના 15 સભ્યો ફસાયા હતા. ઘરના છત પર ચઢી જિલ્લા તંત્ર પાસે સહાય માગી હતી. સરીગામ ફાયર બ્રિગેડના જવાનોએ 3 મહિલા, 5 બાળકો સહિત 15 વ્યક્તિ તથા બકરાઓને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. પુનાટગામે એક પરિવારના પાંચ સભ્યો પાણી વચ્ચે ફસાયા હતા.જેને ગામ લોકોએ ટાયરના સહારે બહાર કાઢ્યા હતા. અંકલાસ ગામે પાણી ફરી વળતા 100થી વધુ ઘરોમાં ઘરવખરીને નુકશાન પહોચ્યું હતું. ભીલાડની દારૂઠા ખાડી કિનારે ધોડીપાડા ફળિયામાં સર્વત્ર પાણી પાણી નજરે ચઢી રહ્યું હતું. ફળિયાના 50 જેટલા ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.જેમાં 15 ઘરોનો પરિવાર ફસાઇ ગયા હતા.