MSUની કોમર્સ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થિનીની તબિયત લથડતા દોડધામ, ક્લાસમાં જ સારવાર અપાઈ
એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાલી રહેલી ટીવાયબીકોમની પરીક્ષા દરમિયાન આજે એક વિદ્યાર્થિનીની તબિયત લથડતા દોડધામ મચી ગઈ હતી.આજે ટીવાયના વિદ્યાર્થીઓની ફાઈનાન્સિયલ મેનેજેન્ટની પરીક્ષા લેવાઈ રહી હતી અને એ દરમિયાન કોમર્સના મેન બિલ્ડિંગ યુનિટ પર વિદ્યાર્થિનીને ચક્કર આવ્યા હતા અને બેન્ચ પર જ તે થોડી પળો માટે બેભાન જેવી હાલતમાં મુકાઈ ગઈ હતી.જેના પગલે કોમર્સ ફેકલ્ટીના અધ્યાપકો અને સ્ટાફે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી હતી. વિદ્યાર્થિનીના માતા પિતાને પણ જાણ કરીને તરત બોલાવી લેવાયા હતા.
યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરની એક ટીમ પણ વિદ્યાર્થિનીને સારવાર આપવા કોમર્સ ફેકલ્ટી ખાતે દોડી ગઈ હતી.એ પછી ક્લાસમાં જ તેને સારવાર આપવામાં આવી હતી અને તે સ્વસ્થ જણાઈ હતી. તકેદારીના ભાગરૂપે સ્ટાફે તેના માતાને ક્લાસરૂમની બહાર બેસાડ્યા હતા અને વિદ્યાર્થિનીએ પોતાની પરીક્ષા પૂરી કરી હતી.વિદ્યાર્થિનીના પિતાનુ કહેવુ હતુ કે, તે ઘરેથી નીકળી ત્યારે બિલકુલ સ્વસ્થ હતી. અગાઉના બે પેપરની પરીક્ષા પણ તે આપી છે અને તેને કોઈ સમસ્યા નહોતી.