મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 નવેમ્બર 2017 (14:22 IST)

જમ્મુ કાશ્મીરમાં શહિદ થયેલા અમદાવાદના જવાનને વિદાય આપવા અમદાવાદ ઉમટ્યું

જમ્મુ-કાશ્મીરના પુલવામાના સાંબૂરામાં આતંકીઓ તથા સુરક્ષાદળો વચ્ચે થયેલા ફાયરિંગમાં અમદાવાદી જવાન પ્રદીપસિંહ બ્રિજકિશોર કુશવાહ સહિત બે જવાનો શહીદ થયા હતા. કુશવાહનો પાર્થિવ દેહને શુક્રવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આજે સવારે વીર શહીદની અંતિમ યાત્રા સૈન્ય સન્માન સાથે નીકળી હતી. શહીદના પાર્થિવ દેહની અંતિમયાત્રા મેઘાણીનગરના ભાર્ગવ રોડ સ્થિત મકાનમાંથી નીકળી હતી.

શહીદ જવાનને અંતિમ વિદાય દેવા માટે મોટી સંખ્યામાં મેઘાણીનગર વિસ્તાર અને શહેરના અન્ય ભાગોમાંથી લોકો ઉમટી પડ્યા હતા. અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. વીર શહીદના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભારત માતા કાજે શહીદી વ્હોરનાર શહીદ પ્રદીપસિંહની અંતિમયાત્રા શહેરભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સૈન્ય સન્માન સાથે વીર જવાનની અંતિમ યાત્રા શહેરના માર્ગો પર નીકળી હતી. જેમાં અંતિમયાત્રામાં જોડાનાર લોકો દ્વારા વંદે માતરમ્, ભારત માતા કી જય અને શહિદ પ્રદીપસિંહ અમર રહોના નારા લાગ્યા હતા. અંતિમયાત્રા સ્મશાનગૃહે પહોંચી હતી ત્યાં શહીદને સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. શહીદના કાકા રાકેશ કુશવાહે જણાવ્યું હતું કે ,‘અમે ચારેય ભાઇઓ આર્મીમાં જોડાવા માંગતા હતા, પરંતુ આર્થિક કારણોસર એ શક્ય ન બન્યું. જેથી ભાઇના બન્ને દીકરા પિતાની ઇચ્છાથી આર્મીમાં જોડાયા હતા. પ્રદીપ ચાર વર્ષથી આર્મીમાં જોડાયો હતો. તેનો નાનો ભાઇ કુલદીપ(19) પણ બે મહિના પહેલા આર્મીમાં જોડાયો છે તેની જબલપુરમાં ટ્રેનિંગ ચાલી રહી છે. 40 દિવસ પહેલા પ્રદીપનું પોસ્ટિંગ કાશ્મીરમાં થયું હતું. એ પહેલા તે નવરાત્રીમાં ઘરે આવ્યો હતો.’ આ સાથે ત્યાં રહીશોમાં વાત ચર્ચાઇ રહી હતી કે આજે માતા પિતા તેની સગાઇ નક્કી કરવા ગયા હતા. પરંતુ સંબંધ થઈ શક્યો નહોતો.