શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2019 (15:08 IST)

ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રના કામદારોની ખરાબ હાલતઃ એક વર્ષમાં 137નાં મોત

સમગ્ર દેશમાં ખેતી પછી બીજા નંબરે સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે એક અભ્યાસ મુજબ દરરોજ કામના સ્થળે 38 જેટલા કામદારોના અકસ્માતે મોત થાય છે. વિશ્ર્વ કામદાર સ્મૃતિ દિને આ બાબત જાહેર થઈ હતી કે, સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ઉદ્યોગમાં બોર્ડની સ્થાપનાને લઈને ગુજરાતભરમાં અત્યાર સુધી 990 મજૂરોના મોત નિપજ્યા હતાં. જેમાંથી માત્ર 44 જેટલા કામદારોના પરિવારોને રૂ. 82 લાખની સહાય અપાઈ હતી.

જ્યારે રાજ્યમાં વિવિધ બાંધકામ દરમિયાન 2018માં 144 બાંધકામ સાઈટ પર અકસ્માતો સર્જાયા હતા. જેમાં 137 કામદારોના મોત નીપજ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં બાંધકામ મજૂર સંગઠને રાજ્યના વિવિધ જિલ્લામાંથી આરટીઆઈના માધ્યમથી કામદારોના અકસ્માત અને મોતના આંકડા મેળવ્યા હતાં જેમાં જામનગર જિલ્લો અને સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારના આંકડા ઉપલબ્ધ થયા ના હોઈ આમાં સામેલ નથી.

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ કામદારોના કલ્યાણ માટે સેસ કલેકશનરૂપે રૂ. 2200 કરોડની જંગી રકમ એકઠી કરી છે, પરંતુ તેમાંથી નજીવું કહી શકાય તેવી રીતે માત્ર 44 કામદારોના મોતના કિસ્સામાં જ પીડિત પરિવારોને સહાય ચૂકવી છે.

કુલ આંકડા મુજબ 990 મોત અને 415 ઈજાગ્રસ્ત થયા હતા. કામદાર સંગઠનના મુજબ રાજ્યમાં જેટલા પણ અકસ્માતના કેસ બને છે તેમાં માત્ર જાણવાજોગ નોંધ થાય છે. મોટાભાગના કિસ્સામાં કોઈ જ એફઆઈઆર થતી નથી. બાધકામક્ષેત્ર અકસ્માતનો ભોગ બનતા મજૂરો મોટા ભાગે દાહોદ અને પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ તેમજ પરપ્રાંતીય શ્રમિક હોય છે. અકસ્માતને પગલે મજૂરોના આશ્રિતો વળતર માટે વલખા મારવા પડે છે. જો રાજ્ય સરકારના શ્રમયોગી બોર્ડ દ્વારા ક્ધસ્ટ્રકશન સાઈટ પર નોંધાયેલા મજૂરના અકસ્માતે મૃત્યુના બનાવમાં આશ્રિતોને રૂ. 3 લાખ આપવાની અને બોર્ડમાં નોંધાયેલા ન હોય તેવા શ્રમિકને રૂપિયા દોઢ લાખ આપવામાં આવે તો મજૂરોના પરિવારજનોને વલખા મારવા ન પડે. આમ મજૂરોને સરકાર દ્વારા કાયદા પ્રમાણે યોગ્ય વળતર મળી રહે તેવી અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ મજૂરના હિતમાં આજદિન સુધી આવ્યો નથી.