રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (10:59 IST)

મુંબઈની લેડી ડોન અને ડ્રગ્સ માફિયા રૂબિના શેખ ઉનાવાથી ઝડપાઈ; 3 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરાયું હતું

મુંબઈની લેડી ડોન અને દેશના ડ્રગ્સ સિન્ડીકેટ સાથે જોડાયેલી રૂબિના શેખને ઉનાવાની મીરા દાતાર દરગાહ પાસેથી ઝડપી લેવામાં આવી હતી. મહેસાણા પોલીસ અને મુંબઈ એનસીબીએ ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડીને 3 ગ્રામ મેફોડ્રોન ડ્રગ્સ સાથે રૂબિના શેખને પકડી મુંબઈ એનસીબીને સોંપી હતી. મહત્વના ઓપરેશન અંગે મહેસાણા એસપીએ ઊંઝા પોલીસને સોંપેલી જવાબદારી સુપેરે પાર પાડી હતી.મુંબઈ એનસીબી (નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ ગત તા. 18-7-2021ના રોજ મુંબઈના બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં રેઈડ કરીને લેડી ડોન રૂબિના નિયાઝુ શેખના ઘરમાંથી 110 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 585 ગ્રામ સોનુ અને રૂપિયા 78 લાખ રોકડ ઝડપી પાડ્યા હતા. રૂબિના શેખને વોન્ટેડ જાહેર કરી મુંબઈ એનસીબીએ શોધખોળ હાથ ધરી હતી. રૂબિના શેખ ઊંઝા તાલુકાના ઉનાવાની મીરાદાતાર દરગાહ ઉપર આવી હોવાની બાતમી મળતાં એનસીબીએ મહેસાણા પોલીસને જાણ કરી હતી. તેથી મહેસાણા એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલના સુપરવિઝન હેઠળ રૂબિના શેખને પકડવા મુંબઈ એનસીબી અને ઊંઝા પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયુ હતુ. મુંબઈ એનસીબીના બે અધિકારી અને ઊંઝા પોલીસની ટીમે તા.9-9-2021ના રોજ ઓપરેશન હાથ ધરીને રૂબિના શેખને મીરા દાતાર દરગાહના 100 મીટર દૂરથી પકડી લીધી હતી. રૂબિના શેખને પકડી લીધા બાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કોર્ટમાં રજૂ કરીને મુંબઈ એનસીબીએ ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી મુંબઈ રવાના કરાઈ હતી.ઉનાવા મીરા દાતારની દરગાહ ઉપર 9 સપ્ટેમ્બરે ઉર્સનો મેળો હોવાથી અટક કરવામાં ખાસ તકેદારી રાખવી પડે તેમ હતી. ઊંઝા પીઆઈ એસ.જે.વાઘેલાની આગેવાની હેઠળ એએસઆઈ આરીફખાન, કોન્સ્ટેબલ અત્રિકુમાર, કોન્સ્ટેબલ મિત્તલબેન, કોન્સ્ટેબલ આશાબેને મુસ્લીમ પહેરવેશ ધારણ કરી રૂબિના શેખ સુધી પહોંચ્યા હતા. દરગાહના 100 મીટર દૂરથી પકડીને ઊંઝા પોલીસ સ્ટેશન લઈ જઈ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યુ હતુ. 3 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, સોનુ, રોકડ રકમ સાથેે ઝડપાયેલી રૂબિના શેખ એનસીબીને સોંપાઈ હતી.