શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (08:44 IST)

સરખેજ-ગાંધીનગર હાઈવે પર સનાથલ બ્રિજ પાસે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત

સરખેજ-ગાંધીનગર હાઈવે પર સનાથલ ક્રોસ રોડ પર રવિવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે રસ્તા પર દીપડો ઢળી પડ્યો હોવાનું જોતાં જ રાહદારીઓ અને વાહનચાલકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. સનાથલ બ્રિજ પાસે કોઈ ભારે વાહનની અડફેટે દીપડાનું મોત નીપજ્યું હોવાનું આસપાસના લોકોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, હજી 15 દિવસ પહેલાં વસ્ત્રાલમાં દીપડો દેખાયો હોવાની વાતો વહેતી થઈ હતી. એપ્રિલ 2020માં ગાંધીનગર નજીક કોલવડા સ્થિત સ્ટેટ મોડેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદિક સાયન્સ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલની તૈયારી ચાલી રહી હતી ત્યારે સવારના સમયે દીપડો અંદર ઘુસી આવતા દોડધામ મચી ગઈ હતી. એક કર્મચારીએ દીપડાને ઓરડામાં પૂરી દીધો હતો. જ્યાર બાદ ફોરેસ્ટ વિભાગે દીપડાને બેભાન કરીને રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. નવેમ્બર 2018માં ગુજરાતના હાઇ સિક્યોરિટી પ્લેસ પૈકીના એક એવા ગાંધીનગરના વિધાનસભા-સચિવાલય સંકુલમાં મધરાતે દીપડો ઘૂસી જતાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાના પગલે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કામનો દિવસ હોવા છતાં 2 કલાક અને 20 મિનિટ સુધી સચિવાલય બંધ રાખવું પડ્યું હતું અને તમામ કામકાજ અટકી પડ્યું હતું. સીએમ અને મંત્રીઓ પણ સચિવાલય આવી શક્યા ન હતા. સચિવાલયમાં જે રીતે ઘૂસ્યો એ જ ચૂપકીદીથી બહાર પણ નીકળી ગયેલો દીપડો આખરે 13 કલાક પછી સચિવાલયની પાછળ આવેલા સીએમના રૂટ વીઆઇપી રોડ-2 પરથી ભારે જહેમતના અંતે પકડાયો હતો. દિપડાએ સરકારનું કામકાજ તો ઠપ્પ કરી દીધું હતું સાથે સીએમને પણ તેમનો રૂટ બદલવાની ફરજ પડી હતી.