1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (09:12 IST)

ગુજરાતમાં ચોમાસું પૂરું થાય તે પહેલાં વાવાઝોડું સર્જાશે? ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે?

ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે અને દેશના ઘણા વિસ્તારો પર જુદી જુદી સિસ્ટમો સક્રિય છે. આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં હજી વરસાદ પડશે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે ભારતમાં જૂન મહિનાથી શરૂ થયેલું ચોમાસું હવે પૂરું થવા જઈ રહ્યું છે. ચાર મહિના બાદ 25 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.
 
સામાન્ય રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત 1 જૂનથી થતી હોય છે અને ચોમાસાની વિદાય રાજસ્થાનથી થતી હોય છે. જે બાદ બીજાં રાજ્યોમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. રાજસ્થાનમાંથી જ્યારે ચોમાસું પૂરું થઈ રહ્યું છે ત્યારે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે?
 
25 સપ્ટેમ્બર, સોમવારના રોજ હવામાન વિભાગે કહ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં દેશના બીજા વિસ્તારોમાંથી પણ ચોમાસું ઝડપથી પૂરું થવાની શરૂઆત થઈ જશે. દેશમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાયની શરૂઆત 17 સપ્ટેમ્બરના રોજ થતી હોય છે પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય એક અઠવાડિયું મોડી છે.
 
રાજસ્થાનના આ વિસ્તારો બાદ હવે બીજા વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની થશે અને સાથે-સાથે પંજાબ, હરિયાણા તથા ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસું પૂરું થશે.
 
હાલની સ્થિતિને જોતાં ગુજરાતમાં હજી એકાદ અઠવાડિયાની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થાય તેવી શક્યતા છે. હજી રાજ્યમાં કેટલાક દિવસ સુધી વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે. જેથી ગુજરાતમાં ચોમાસાની વિદાયને હજી ચાર-પાંચ દિવસ જેટલો સમય લાગે તેવી સંભાવના છે.
 
ચોમાસાની વિદાય નક્કી કેવી રીતે થાય છે?
 
દેશમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું પૂરુ થવાની શરૂઆત થતી હોય છે અને તેના માટે હવામાન વિભાગે કેટલાક માપદંડો પણ નક્કી કર્યા છે. તેના આધારે નક્કી કરવામાં આવે છે કે કયા વિસ્તારોમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. પશ્ચિમ ભારત એટલે કે રાજસ્થાનની આસપાસ એન્ટિ-સાયક્લૉન બનવું જોઈએ, હાલ અહીં એન્ટિ-સાયક્લૉન બની રહ્યું છે અને પવનની દિશા બદલી રહી છે.
 
જે વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થવાની હોય ત્યાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ પડ્યો ન હોવો જોઈએ. જો પાંચ દિવસથી સતત વરસાદ ના નોંધાય તો ત્યાં ચોમાસાની વિદાયની જાહેરાત કરવામાં આવે છે. જે તે વિસ્તારમાં ભેજનું પ્રમાણ પણ ઘટવું જોઈએ, હાલની જે સેટેલાઇટ તસવીરો છે તે દર્શાવી રહી છે કે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ પણ ઘટ્યું છે.
 
આ રીતે ચોક્કસ માપદંડો જ્યારે પૂરા થાય ત્યારે હવામાન વિભાગ નક્કી કરતો હોય છે કે ચોમાસાની વિદાય કયા વિસ્તારમાંથી થઈ છે.
 
ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે વરસાદ?
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હજી ગુજરાતમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. હાલની સ્થિતિ પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. જે બાદ વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે.
 
26-27 સપ્ટેમ્બરની આસપાસ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો અને હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની શક્યતા દેખાઈ રહી છે. જે બાદ ઘણા વિસ્તારોમાંથી વરસાદનું પ્રમાણ ઘટશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે?
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં ફરીથી એક નવી સિસ્ટમ સર્જાવાની છે અને તે ભારતના ભૂ-ભાગો તરફ આગળ વધવાની છે.
હજી સુધી તે સિસ્ટમ દરિયામાં આગળ વધીને ભારત તરફ આવશે તે દરમિયાન વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તેના વિશે હવામાન વિભાગે કોઈ માહિતી આપી નથી.
 
હવામાન વિભાગે કહ્યું છે કે 29 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાશે અને તે બાદ તે મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે.
હવામાન વિભાગનું કહેવું છે કે લૉ-પ્રેશર એરિયા બન્યા બાદ આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી શક્યતા છે. પરંતુ કેટલી મજબૂત બનશે કે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તે વિશે કોઈ માહિતી આપી નથી.