પક્ષીઓ માટે લોહીયાળ બની ઉત્તરાયણ, 15 દિવસમાં 1500 જેટલા પક્ષીઓને ઇજા
જાણતા કે અજાણતા ઘણી વખત આપણો આનંદ અન્ય માટે દુ:ખનુ કારણ બની જતો હોય છે. ક્યારેક આ દુ:ખ એટલુ પીડાદાયક હોય કે જેને ઉડવા માટે કોઇ દેશની સરહદો બાધા રૂપ બનતી ન હોય અને સાગરના સીમાડા સરળતાથી પાર કરનાર ક્યારેક એક પતંગની ઝીણી દોરની ઘારથી આજીવન ઉડવાનો પોતાનો જન્મસિધ્ધ અધિકાર ગુમાવીને એક સ્થાન પુરતુ સીમીત બની જાય છે. ગુજરાતી કવિ ખલીલ ધનતેજવી લખે છે, પર્વતો કૂદી જનાર સ્હેજમા ભાંગી પડ્યો, આ વખત એ કોઇની પાંપણથી પટકાયો હતો. એમ સરળતાથી સાગર પાર કરનાર કોઇ પંખી નાના અમથા પતંગના દોરથી પાંખ વિહોણું બનતુ હોય છે. પતંગની દોર કે કોઇપણ રીતે ઘવાયેલા પંખીઓને સારવાર પુરી પાડવા રાજ્ય સરકાર દ્રારા સમગ્ર રાજ્યમાં વિશેષ કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં 1 થી 15 જાન્યુઆરી સુધીમાં 1470 થી વધુ પક્ષીઓ કાતિલ દોરીથી ઘાયલ થયા છે. જેમાં ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ એમ બે દિવસ દરમિયાન જ 700થી વધુ ઈજાગ્રસ્ત પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બર્ડ ફ્લૂ અને કોરોનાના ડરને કારણે બર્ડ રેસ્ક્યુઅર-વોલિયેન્ટર્સ દ્વારા પીપીઈ કિટ પહેરીને ઇજાગ્રસ્ત મૂંગા પક્ષીઓને જીવ બચાવવામાં આવ્યો હતો.
જો કે દેશભર સહિત રાજ્યમાં બર્ડ ફ્લૂ અને કોરોનાના સંક્રમણના લીધે ઘાયલ પક્ષીઓને સારવાર માટે મર્યાદિત સંખ્યામાં વોલિયેન્ટર્સ દ્વારા ફરજ બજાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વર્ષે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓનું પ્રમાણ ખૂબ જ વધારે રહ્યું છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇન્સ પ્રમાણે જ ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.
'ચાઇનિઝ દોરીથી પક્ષીઓ સૌથી વધુ ઇજા પહોંચેછે. ઉત્તરાયણના પર્વ વખતે જેટલા પણ કોલ મળ્યા તેમાં મોટાભાગે ચાઇનિઝ દોરીથી પક્ષીની પાંખમાં ઈજા પહોંચી હતી. અમદાવાદ ફાયર કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સાંજ સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફાયર કંટ્રોલરૂમને પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના કોલ સતત મળ્યા હતા. ગત 48 કલાક સુધીમાં 50 પક્ષીઓને ફાયર વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા ઘટના સ્થળે દોડાવીને તેમને સલામત ઉતારવાની સાથે ઘાયલ પક્ષીઓની સારવાર પુરી પાડવામાં આવી હતી.
પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરતા ડો.અમીનકુમાર શ્રીવાસ્તવે તથા ડો.હર્ષે જણાવ્યુ કે, ૧૪મી જાન્યુઆરીના રોજ 67 પક્ષીઓ પતંગની દોરથી ઘવાયા હતા. જેમા સૌથી વધુ કબુતર અને કુંજ હતા. પક્ષીઓને વધુ પીડા ભોગવવી ન પડે તે માટે મકરસંક્રાતિના દિવસે અમે સવારે 8 કલાક થી રાતના 10 કલાક સુધી ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા ફલેમીંગોનુ ઓપરેશન કરીને શ્રીવાસ્તવે કહ્યુ કે, આ રાજ્ય પક્ષીને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી એમનો એક પગ કાપવાની ફરજ પડી હતી. આ ઉપરાંત તેની પાંખમાં પણ ઇજા પહોંચી છે. જેથી આ પક્ષીની ઉડવાની સંભાવના નહિવત છે, પણ સમયસર તેને સારવાર માટે લાવવામા આવતા તેનો જીવ બચી ગયો છે. તે જીવે ત્યા સુધી તેને ફોરેસ્ટ વિભાગ દ્રારા સુરક્ષીત સ્થળે રાખવામાં આવશે.