બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 માર્ચ 2017 (14:17 IST)

શિક્ષણ પરની માગણીની ચર્ચામાં ગૃહમાં ધડાકો મેરીટ વગરનાં વિદ્યાસહાયકોને ભ્રષ્ટાચાર કરી નોકરી અપાઇ

વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં કોંગ્રેસે ધડાકો કર્યો હતો કે મેરીટ વગરનાં વિદ્યાસહાયકોને ભ્રષ્ટાચાર આચરીને નોકરી આપી દેવાઇ છે. એટલું જ નહીં, ખોટા પ્રમાણપત્રો અને ખોટી માર્કશીટો બનાવીને ઘણાએ નોકરી મેળવી લીધી છે. વિદ્યાસહાયકોની ભરતીમાં વ્યાપક ગોટાળા થયા છે.
કોંગ્રેસના સીનિયર ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ગૃહમાં જણાવ્યું હતું કે, જો સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધરી ગઇ હોય તો પછી ભાજપનાં મંત્રીઓ તેમના બાળકોને શા માટે ખાનગી શાળામાં ભણાવે છે ? શાળાઓમાં શિક્ષકો પાસેથી શૌચાલયો ગણાવવા જેવી કામગીરી કરાવવામાં આવે છે. જેને કારણે ગુણવત્તા સુધરતી નથી. ઉપરાંત લાયકાત વગરનાં શિક્ષકોને (વિદ્યાસહાયકો) ભ્રષ્ટાચાર કરીને નોકરીમાં લીધા હોવાથી સ્થિતિ વધુ બગડી રહી છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગની તપાસ સમિતિએ જ પોતાનાં રીપોર્ટમાં આવું જણાવ્યું છે. શિક્ષકોની ભરતીની જેટલી જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવે તેટલી ભરવી જોઇએ. નોકરીમાં હોય તે જ પસંદગીનો જિલ્લો મેળવે તેને નવી નોકરી ન કહેવાય. બાળકોને ભણાવનારા શિક્ષકો - પ્રોફેસરો અને આચાર્યોની અસંખ્ય જગ્યા ગુજરાતમાં ખાલી છે. જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ભણ્યા હતા તે ભાવનગરની કોલેજમાં વર્ષોથી આચાર્ય જ નથી..!!!

જ્યારે સ્ત્રી કેળવણી મંડલ સંચાલિત એસએનડીટીની ભાવનગરની કોલેજની વિદ્યાર્થિનીઓને વિદ્યાસહાયક માટે યોગ્ય ન ગણવાનો સરકારનો નિર્ણય પણ અન્યાયકારી છે. કર્મચારીઓમાં ભાગલા પાડો અને રાજ કરો એવી સરકારની નીતિ છે. ફિક્સ પગારનાં ૨૦૦૬ પહેલાના કર્મચારીઓને શા માટે લાભથી વંચિત રખાયા છે. કોંગ્રેસના આક્ષેપ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે વચ્ચે જ ઊભા થઇ કહ્યું હતું કે તમે જે આક્ષેપો કરો છો તેના પુરાવા આપવા પડશે. કોંગ્રેસે કહ્યું કે તેઓ તમામ પુરાવા આપવા તૈયાર છે.