બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2017 (14:48 IST)

પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ શાહ કમિશન સામે સવાલો ઉઠાવ્યાં

તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસે કરેલાં આક્ષેપોની તપાસ કરવા રચાયેલાં એમ.બી.શાહ કમિશનનો રિપોર્ટ ભાજપ સરકારે ગૃહમાં રજૂ કરી ક્લિનચીટ મેળવી લીધી છે પણ પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ શાહ પંચ સામે સવાલો ઉભા કર્યાં છે.

એટલુ જ નહીં, એવો આક્ષેપ કર્યો છેકે, શાહ કમિશનને ભાજપ સરકારને જયાં બચાવવાની હતી ત્યાં બચાવી છે સાથે સાથે જયાં તપાસ કરવાની હતી ત્યાં સુપ્રિમ કોર્ટ,કેગને આગળ ધરીને એ વાતની તપાસ સુધ્ધાં કરવાનું ટાળ્યું છે.સુરેશ મહેતાએ એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો કે, શાહ કમિશને રાજ્ય સરકારને બે તબક્કામાં રિપોર્ટ સોંપ્યો હતો. તા.૨૮મી સપ્ટેમ્બર,૨૦૧૨ અને ૬ઠ્ઠી નવેમ્બર,૨૦૧૩ના રોજ સોંપ્યો હતો. નવાઇની વાત એછેકે, સામાન્ય વહીવટ વિભાગે કાયદા વિભાગને અંધારામાં રાખીને બારોબાર રિપોર્ટ મેળવીને તાળા મારીને મૂકી દીધો હતો. આ હકીકતની કોઇને જાણ થવા દેવાઇ ન હતી. એટલી હદે કે, રાજ્યપાલને પણ ખબર ન હતી. વિધાનસભા ગૃહના અન્ય વિભાગો પણ વાતની બેખબર રહ્યા હતાં.
રિપોર્ટમાં કેટલાંક મુદદાઓમાં પંચે તારણ આપ્યું છેકે, સુપ્રિમ કોર્ટમાં આ બાબત વિચારાધાન હોઇ સંલગ્ન જોગવાઇના અર્થઘટનના પ્રશ્ને કોઇ અભિપ્રાય આપી શકાય નહીં તેવો ઉલ્લેખ કરતાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કમિશન સમક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપોના સમર્થનમાં કોઇપણ વ્યક્તિએ એફિડેવિટ રજૂ કરી નથી તેવા પંચના નામે અર્થઘટન કરવુ યોગ્ય નથી. વાસ્તવમાં સરકાર આરોપીના પિંજરામાં ફસાઇ પડી છે.તેમણે મુદ્દાઓને ટાંકી જણાવ્યું કે, ઇન્ડીગોલ્ડ રિફાઇનરી લિ.મુંબઇને મુખ્યમંત્રી કાર્યાલય અને તે વખતના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલની સીધી દરમિયાનગીરીથી ૩૬.૨૫ એકર ખેતીલાયક જમીન માત્ર રૃા.૭૦ લાખમાં પધરાવી દીધી હતી.
આ સમગ્ર પ્રકરણમાં રૃા.૨૫૦ કરોડનું કૌભાંડ થયું છે. આ જમીનનો બજાર ભાવ એક સ્કે.મિટરનો રૃા.૩ હજાર બોલાતો હતો .આ પ્રકરણમાં સુપ્રિમે તો સરકારની આકરી ઝાટકણી કાઢીને જમીન આપવાનો નિર્ણય ગેરબંધારણિય કહ્યો છે. એટલું જ નહીં, સરકારના નિર્ણયને રદબાતલ ઠેરવ્યો છે. સુજલામ સુફલામ યોજનામાં પણ સરકારે ખુદ અર્થઘટન કરીને પંચના તારણ તરીકે ખપાવ્યું છે.વાસ્તવમાં કમિશને તો આ મુદ્દે  PAC અથવા તો PUC સમક્ષ આખીય વાત રજૂ કરવા પર નિર્ણય છોડયો છે. પંચે ત્યાં સુધી કહ્યું છેકે, પીયુસી અને પીએસીએ સમગ્ર મુદ્દા ચકાસી અને તપાસવાના છે. તે પછી વિધાનસભાએ તપાસી એકશન લેવા જણાવ્યું છે. હવે તો ફોજદારી ગુનો દાખલ કરી ગૃહે ચર્ચા કરીને સરકારને આદેશ કરવાનો છે. આમાં સરકારને ક્યાં ક્લિનચીંટ આવી તે સમજાતુ નથી.
જીએસપીસી કૌભાંડમાં પણ સુપ્રિમ કોર્ટના નિર્ણયના સંદર્ભમાં પંચે વિચારણા કરવાની જરૃર જણાઇ નથી. આ આક્ષેપો પણ પીએસી અને પીયુસી દ્વારા ચકાસી વિધાનસભા દ્વારા ચર્ચવાના રહે છે જેથી પંચે કોઇ કાર્યવાહી કરવાની રહેતી નથી. આ સંજોગોમાં હવે પછીના સત્રમાં આ મુદ્દે ચર્ચા થવી જોઇએ અને કસૂરવારો સામે પગલાં લેવા જોઇએ. સુરેશ મહેતાએ ત્રણેક મુદદાઓ આધારે સરકારના અર્થઘટન અને અવલોકનની વાત રજૂ કરી હતી. આગામી દિવસોમાં વધુ મુદ્દાઓ સાથે સરકારની વાસ્તવિકતા ઉજાગર કરશે.