શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 એપ્રિલ 2017 (17:18 IST)

છેલ્લાં બે વર્ષમાં 49 સાવજોના કમકમાટી ભર્યાં મોત.

દેશ અને દુનિયામાં ખ્યાતિ પામેલ એશિયાટીક સિંહોના મૃત્યુદરમાં વધારો આવ્યો છે, જેમાં છેલ્લા બે વર્ષમાં ૧૮૬ સિંહો મોતને ભેટયા છે, જેમાં ૪૯ સિંહોના ટ્રેન હેઠળ કપાઈ જતાં, ખુલ્લા કૂવાઓમાં પડી જવાથી, શોર્ટસર્કિટ, સિંહોને બિમારીના સમયે તાત્કાલિક જરૃરી સારવાર ન મળવી સહિતની અનેક બાબતોને લઈ સિંહો કમોતે મરી ગયા હોવાનું આરટીઆઈ એક્ટિવિસ્ટને મળેલી માહિતી પરથી બહાર આવ્યું છે. ગીર-સોમનાથ જિલ્લાના લોઢવા ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટે માંગેલી માહિતીમાં વનવિભાગના જણાવ્યા પ્રમાણે ૨૦૧૫-૧૬માં કુલ ૯૨ સિંહોના મોત થયા હતા જેમાં ૬૩ સિંહોના કુદરતી મૃત્યુ થયા હતા.

જ્યારે ૨૯ સિંહોના કમોતે મોત થયા છે. જ્યારે ૨૦૧૬-૧૭માં સિંહોનો મૃત્યુદર ગતવર્ષ કરતાં બે સિંહોના વધુ મોત થયા હતા. જેમાં ૯૪ સિંહો મોતને ભેટયા હતા જેમાં ૭૪ સિંહોના કુદરતી મોત થયા હતા. જ્યારે ૨૦ સિંહોના કમોત થયા હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી ૧૭ સિંહોના બૃહદગીર (રેવન્યુ) વિસ્તારોમાં કમોત થયા છે. જ્યારે અભયારણ્યની અંદર માત્ર ૩ સિંહોના કમોતે થયા છે. જેથી એક વાત ચોક્કસ કહી શકાય કે અભયારણ્ય એટલે કે ગીર જંગલ કરતાં રેવન્યુ વિસ્તારોમાં સિંહો પર સૌથી વધુ જોખમ મંડરાઈ રહ્યું છે. કારણ કે રેવન્યુ વિસ્તારોમાં કમોતના બનાવો વધવા પાછળ ઘણા પરિબળો કામ કરી રહ્યા છે. એક તરફ ગીર કરતાં રેવન્યુ વિસ્તારોમાં સિંહોની સંખ્યા ઓછી છે અને કમોતના બનાવો અભ્યારણ્ય કરતાં રેવન્યુમાં વધારે છે. કારણ કે રેવન્યુ વિસ્તારોમાં વનવિભાગ પાસે સ્ટાફની ખુબ જ ઘટ છે અને જે સ્ટાફ છે તે સિંહો અને ગીર સાથે સંકળાયેલો નથી જે માત્ર વિસ્તરણની કામગીરીનો અનુભવ ધરાવતો હોય છે. જેથી રેવન્યુમાં વિસ્તારોમાં સિંહોના કમોતના બનાવો ઘટાડવા માટે પ્રથમ તો ગીરનો અનુભવી સ્ટાફ દ્વારા રેવન્યુ વિભાગમાં કામ કરતાં સ્ટાફને સિંહો તથા તેની સાથે સંકળાયેલા પ્રજાજનો સાથે કેવો વ્યવહાર કરવો ? સહિતની વિગતોથી સંપૂર્ણ વાકેફ કરવામાં આવે તો આવા બનાવો અટકાવી શકાય તેમ વનવિભાગના અધિકારીએ જણાવ્યું છે. સરકાર દ્વારા એશિયાટીક સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે કરોડો રૃપિયાની ગ્રાન્ટ આપી તેને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે પરંતુ આરટીઆઈ એક્ટિવિસ્ટ ભગવાનભાઈ સોલંકીના જણાવ્યા પ્રમાણે સિંહોની રક્ષા કરવામાં વનવિભાગ ક્યાંકને ક્યાંક વામણું સાબીત થઈ રહ્યું છે. રેવન્યુ વિસ્તારોમાં સિંહોના સૌથી વધુ કમોત રેલવેમાં સિંહોનું કપાઈ જવું, ખુલ્લા કૂવાઓમાં પડી જવાથી, શોર્ટસર્કિટ, સિંહોને બિમારીના સમયે તાત્કાલિક જરૃરી સારવાર ન મળવી સહિતની અનેક બાબતોને લઈ થઈ રહ્યા છે. વનવિભાગ દ્વારા ૨૦૧૫માં સિંહોની કરવામાં આવેલી વસતી મુજબ કુલ ૫૨૩ સિંહો નોંધાયા હતા જેમાં ૨૧૩ બાળસિંહો, ૧૦૯ નરસિંહ, ૨૦૧ માદા સિંહણની નોંધણી થઈ હતી ત્યારે સિંહોની કમોતની સંખ્યામાં વધારો થવો તે ખરેખર ચીંતાનો વિષય છે. રાજ્ય સરકારે વનવિભાગની કામગીરીની સમીક્ષા કરી સિંહોના મોતના વધી રહેલા બનાવો સામે દાખલારૃપ કામગીરી કરવી જરૃરી બની ગયું છે.
૨૦૧૫ – ૨૦૧૬
જિલ્લો કુદરતી અકુદરતી
અમરેલી ૧૬ ૧૧
જૂનાગઢ ૨૭ ૦૬
સોમનાથ ૧૫ ૦૫
ભાવનગર ૫ ૦૭
કુલ ૬૩ ૨૯
૨૦૧૬ – ૨૦૧૭
જિલ્લો કુદરતી અકુદરતી
અમરેલી ૧૦ ૦૪
જૂનાગઢ ૩૯ ૦૬
સોમનાથ ૨૧ ૦૮
ભાવનગર ૦૩ ૦૨
પોરબંદર ૦૧ –
કુલ ૭૪ ૨૦