બી-૧૨ની ખામી ધરાવતા લોકોને હવે નિરાંત, દરિયાઈ લીલમાંથી બનશે બી-૧૨નો પાવડર
જીએસએફસી સાયન્સ ફાઉન્ડેશનના ડો કિરણ ભટે માહિતી આપતાં કહ્યું હતું કે ગુજરાત પાસે વિશાળ દરિયાકાંઠો છે. દરિયામાં સરળતાપૂર્વક લીલ મળે છે. આ લીલમાં વિટામિન બી-૧૨ મોટા પ્રમાણમાં હોવાની સંભાવના છે. બી-૧૨ને લીલમાંથી કાઢીને પાવડરસ્વરૃપે બનાવીને બી-૧૨ની ખામી ધરાવતાં લોકો સુધી સરળતાપૂર્વક પહોંચાડવામાં આવશે. ડો કિરણ ભટે જણાવ્યું હતું કે લીલમાંથી બી-૧૨ બનાવવાના પ્રોજેક્ટમાં એમએસ યુનિ. તેમજ જૂનાગઢ કૃષિ યુનિ.નો સહયોગ લેવામાં આવ્યો છે. ગુજરાતમાં મોટા ભાગના લોકો શાકાહારી ભોજન લે છે.
એક અંદાજ મુજબ ૨૭% લોકો વિટામિન બી-૧૨ની ખામી ધરાવે છે. સમગ્ર દેશમાં ૭૫% લોકો વિટામિન બી-૧૨નું નીચું પ્રમાણ ધરાવે છે. શાકાહારી ભોજન લેવાથી લોકોમાં વિટામિન બી-૧૨ની ઉણપ જોવા મળે છે. વિટામિન બી-૧૨ની ઉણપથી એનિમિયા, બ્લડપ્રેશર કે ન્યુરોલોજીકલ જેવી ગંભીર તકલીફો જોવા મળે છે. વિટમિન બી-૧૨ના ઇન્જેક્શન અથવા લાંબા ગાળાની ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે. ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો છે. દરિયામાં લીલ પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે. દરિયાઇ લીલમાંથી વિટામિન બી-૧૨ આસાનીથી મળી શકે છે, જેને પાવડર ફોર્મમાં ફેરવીને લોકો સમક્ષ સુધી પહોંચાડવામાં આવશે. સમાજના ગરીબ વર્ગમાં વિટામિન બી-૧૨ અંગે અવેરનેસ નથી, આ કારણે મીઠામાં નિશ્વિત માત્રામાં આયોડિનની જેમ વિટામિન બી.૧૨નો પાવડર ભેળવવાનો પ્રયોગ પણ કરવામાં આવશે. આ પ્રયોગ સફળ થાય તો વિટમિન બી-૧૨ યુક્ત મીઠું બજારમાં મળતું થશે.