બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 મે 2017 (12:32 IST)

બજરંગદળે અમદાવાદના કોંગ્રેસના કાર્યાલયને તાળાં માર્યા

કેરળમાં કોંગ્રેસના યુવાન કાર્યકર્તાઓ દ્વારા ગાયની હત્યા કરીને તેનું માંસ આરોગવાની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં બજરંગ દળ દ્વારા આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરાઈ હતી. તે ઉપરાંત કોંગ્રેસના ઝંડા સળગાવીને ભારે વિરોધ કરવામા આવ્યો હતો. પ્રાણીઓના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ લાદવાના કેન્દ્રના નિર્ણયના વિરોધમાં કેરળમાં ખુલ્લેઆમ વાછરડાની કતલ કરવાની ઘટના મામલે કોંગ્રેસે તેના 3 કાર્યકરને સસ્પેન્ડ કરી દીધા છે.

પોલીસે યુવા કોંગ્રેસના કેટલાક કાર્યકરો સામે કેસ દાખલ કર્યો છે. આ મામલે તમામ પક્ષે ટીકા કરી હતી. કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ જિંદાબાદના નારા લગાવી ચાર-પાંચ લોકો મધરાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા હતા અને ત્યાં અમારા ચોકીદારને ધાકધમકી આપી માર માર્યો હતો. ભાજપ અને બજરંગ દળ હિંદુઓની અને ગાય માતાની વાતો કરે છે, પરંતુ સૌથી વધુ કતલખાને જતી ગાયોને અટકાવવા માટે ભાજપ સરકાર કે હિંદુત્વની વાતો કરનારા બજરંગ દળના નેતાઓ આવા સમયે ક્યાં ખોવાઇ જાય છે. ભાજપની આવી બેવડી ચાલ ક્યારેય સફળ થવાની નથી. પ્રજા ભાજપને ઓળખી ગઇ છે.