રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 7 ઑગસ્ટ 2022 (14:03 IST)

હવે વડોદરાના ખેતરોમાં ડ્રોન જોવા મળશે ! ડ્રોન ખરીદવા માટે સરકાર કરશે સહાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોન ટેકનોલોજી દ્વારા ઈફકો નેનો યુરિયા છંટકાવ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો, ત્યારે જિલ્લા કક્ષાએ ડભોઇ તાલુકાના કુકડ ગામ ખાતેથી ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ડ્રોન ટેક્નોલોજીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કૃષિની નવી ટેક્નિકને પ્રોત્સાહન આપવા માટે સરકાર ડ્રોન ખરીદવા માટે સબસિડી પણ આપશે.
 
આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ બહોળી સંખ્યામાં હાજર ખેડૂતોને સમય અને વ્યર્થ મહેનત બચાવતી કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, “પાકની ઉપજ માટેના ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો આ હેતુથી ખેડૂતોની આવક બમણી કરવા માટે ડબલ એન્જિનની સરકાર સતત પ્રયત્નશીલ છે”. 
 
છેલ્લા ૨૦ વર્ષમાં ખેડૂતો માટે આવેલી અનેક કલ્યાણકારી યોજનાઓની વાત કરતા તેમણે ખેડૂતોને ખેતીમાં નવા પ્રયોગ કરવા અને કૃષિ ક્ષેત્રે પ્રકૃતિ સાથે સુમેળ સાધીને અદ્યતન બનવાની હિમાયત કરી. તેમણે ઉમેર્યું કે, “કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી ખેતમજૂરોની સમસ્યાનું નિરાકરણ આવશે અને જમીનને પણ નુકસાન નહીં થાય, જેનાથી પ્રજા અને ખેડૂતોના સ્વાસ્થ્ય સાથે પર્યાવરણનું સ્વાસ્થ્ય પણ નહીં જોખમાય”.
 
તો, કૃષિ ક્ષેત્રમાં આ નવા પરિમાણનું જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઇ પટેલે સ્વાગત કરતા કહ્યું કે, “હવે ખેડૂતો માટે કૃષિ રથ ફરતા થયા છે, દિન-પ્રતિદિન કૃષિ ક્ષેત્રમાં આધુનિકતા અને નવીનતા ઉમેરાય છે. જે ડબલ એન્જિનની સરકારનો કૃષિપ્રેમ દર્શાવે છે”. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવા તેમજ ‘આત્મનિર્ભર કૃષિ, આત્મનિર્ભર ખેડૂત’ના મંત્રને મૂર્તિમંત કરવાના શુભઆશયથી ખેતીપ્રેમી સરકાર આ યોજના લઇને આવી છે.  
 
પ્રાસંગિક પ્રવચન આપતી વેળા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નીતિનભાઇ વસાવાએ હાજર ખેડૂતોને આ યોજનાથી વિસ્તૃત રીતે માહિતગાર કર્યા હતા. કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે તે આ યોજનાનો હેતુ હોવાનું કહી તેમણે આ યોજનાનો વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવાનો અનુરોધ કર્યો. વધુમાં તેમણે કહ્યું કે, ”આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં વડોદરા જિલ્લાની ૧૫૦૦ એકર ખેતી પર ડ્રોન ટેક્નોલોજીથી દ્વારા ઈફ્કો નેનો યુરિયા છંટકાવ કરવામાં આવશે. જ્યારે બાકીના ઇચ્છુક ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ થકી અરજી કરી શકશે”.
 
કાર્યક્રમમાં ઇફકોના પ્રતિનિધિએ નેનો યુરિયા વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો સાંભળી તેમને સંતોષકારક જવાબો આપ્યા હતા. તો કૃષિ વિમાન પાયલોટે હાજર ખેડૂતોને ડ્રોન અને તેના ઉપયોગ વિશે  સૈદ્ધાંતિક સમજ આપીને કાર્યક્રમના અંતે ડ્રોન ઉડાડીને પ્રાયોગિક સમજ અને માહિતી આપી હતી. તેમજ આ ટેક્નોલોજીના ઉપયોગ માટે સરકાર તરફથી મળતી સહાય અંગે પણ વિસ્તૃત સમજ ખેડૂતોને અપાઇ હતી.