1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 14 જૂન 2018 (13:04 IST)

કોલસાનો ઉપયોગ કરી રહેલા મોરબીના સિરામિક એકમોની મુશ્કેલીમાં વધારો

કોલસાનો ઉપયોગ કરી રહેલા મોરબીના સિરામિક એકમોની મુશ્કેલીમાં વધારો થશે. હાઈકોર્ટે આવા એકમોને બંધ કરવા માટે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને આદેશ આપ્યો છે. મોરબીના સિરામિક યુનિટ્સમાં કોલસાના ઉપયોગના કારણે મોરબી-વાંકાનેર અને આજુબાજુના વિસ્તારોમાં પ્રદૂષણ ભયંકર રીતે વધી રહ્યું છે. કોર્ટે કહ્યું કે ટાઈપ-A ગેસીફાયરના ઉપયોગ પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને જેઓ ટાઈપ-બી ગેસીફાયરનો સંમતિ નિયમો અને શરતોનું અનુકરણ કર્યા વિના ઉપયોગ કરી રહ્યા છે તેવા એકમો બંધ થઈ જવાં જોઈએ.જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એ.વાય. કોગ્જેની ખંડપીઠે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને પોતાના આદેશનો અમલ કરવા કહ્યું છે. બેન્ચે કહ્યું કે, પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોય તેવા યુનિટ્સને આવી કરતૂતો ચાલુ રાખવા માટે મંજૂરી ન આપી શકાય. જો કે પહેલેથી પર્યાવરણને આવા યુનિટ્સને કારણે જે નુકસાન થઈ ગયું છે તેના કારણે માત્ર વર્તમાન જ નહીં પણ ભવિષ્યની પેઢીને પણ તકલીફ ભોગવવી પડી શકે છે. આવા ઉદ્યોગોને કારણે શહેરીજનોને તકલીફ પહોંચતી હોય છે. ”2015ના મુકદ્દમાને ટાંકતાં હાઈકોર્ટે જીપીસીબીને કહ્યું કે ટાઈપ-બી ગેસીફાયરના ઉપયોગમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની શરતોનું પાલન કરતા હોય તેવા એકમોને જ મંજૂરી આપવામાં આવે. અગાઉ કોલસાનો ઉપયોગ કરતા એકમોને સંપૂર્ણપણે બંધ કરાવવા માટે જાહેર હિતની થયેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે હવા અને જળ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે ટાઈપ-એ ગેસીફાયરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને મોરબીના સિરામિક ઉદ્યોગોનો એક સર્વે કરવા કહ્યું જેમાં આવા એકમો દ્વારા ગેસીફાયરના ઉપયોગમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની શરતોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે ચકાસવામાં આવશે, એનજીટીએ કહ્યું હતું કે શરતોનું પાલન ન કરતા એકમોને તાળાં મારી દેવામાં આવશે. જીપીસીબીએ એક સર્વે હાથ ધરી શરતોનું પાલન ન કરતા સિરામિક એકમોને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે.