શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 ડિસેમ્બર 2018 (11:48 IST)

કોંગ્રેસના કોર્પોરેટરે વોટ્સએપ ગ્રૂપમાં 9 અશ્લીલ ફોટો શેર કરતાં ખળભળાટ

ગુજરાત કોંગ્રેસના નવસર્જન નામના વોટ્સ એપ ગ્રૂપનું વિસર્જન કરવું પડે તેવો ઘાટ સર્જાયો છે. આ ગ્રૂપમાં વિરાટનગરના મ્યુનિસિપલ કોર્પોરેટર રણજિતસિંહ બારડે કેટલાક અશ્લીલ ફોટો શેર કરતાં હોબાળો મચી ગયો હતો. ગ્રૂપમાં વિવાદ એટલો વકર્યો કે છેવટે આ કોર્પોરેટરની ગ્રૂપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. કોંગ્રેસના નવસર્જન ગુજરાત નામના સોશિયલ મીડિયા ગ્રૂપમાં કોર્પોરેટર રણજિતસિંહે એક પછી એક 8થી 9 બીભત્સ ફોટો મૂકયા હતા. કોર્પોરેટરની આ હરકતને પગલે ગ્રૂપમાં હોબાળો મચ્યો હતો. ગ્રૂપ એડમિને આ સમગ્ર મામલો બહાર ના જાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. 
આ તાકીદ પછી ગ્રૂપમાં વિવાદ વકર્યો અને ફોટો ડિલીટ મારવા, ગ્રૂપ વિખેરીને નવું બનાવવા સહિતના સૂચના આવ્યા હતા. આ વિવાદ વચ્ચે કેટલાકે આ કોર્પોરેટરની ગ્રૂપમાંથી હકાલપટ્ટી કરવા માટે લખ્યું હતું. આખરે આ વિવાદાસ્પદ કોર્પોરેટરને ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવાયા હતા. તાજેતરમાં જ આણંદ જિલ્લા ભાજપના વોટ્સ એપ ગ્રૂપમાં પણ બીભત્સ વીડિયો મૂકવામાં આવ્યા હતા. વિદેશના નંબર પરથી ભાજપના આ ગ્રૂપમાં વીડિયો મુકાયા હતા ત્યારે પણ હોબાળો મચ્યો હતો. અગાઉ ગુજરાત વિધાનસભામાં પણ ભાજપના બે આગેવાનો પોર્ન ક્લિપ જોતાં પકડાયા ત્યારે પણ ખૂબ હોબાળો મચ્યો હતો.