1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 1 માર્ચ 2026 (09:18 IST)

સાણંદમાં માઇક્રોન પ્લાન્ટનો પ્રારંભ, ભારત ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં

Narendra Modi

ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાના માર્ગે આજે ઐતિહાસિક પડાવ નોંધાયો છે. નરેન્દ્ર મોદીસાણંદ ખાતે Micron Semiconductor Technology India Pvt Ltdની એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) ફેસિલિટીની ભવ્ય શરૂઆત કરી. આ સાથે દેશમાં સેમિકન્ડક્ટર ચિપ્સના વ્યાપારી ઉત્પાદનને મંગલ પ્રારંભ મળ્યો છે, જે વૈશ્વિક વેલ્યુ ચેઇનમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

કાર્યક્રમ પહેલાં વડાપ્રધાને રોડ શો કર્યો, જ્યાં જનસમુદાયે પુષ્પવર્ષા કરીને આત્મિય સ્વાગત કર્યું અને પીએમ મોદીએ પણ લોકોના અભિવાદન સ્વીકાર્યા.

સાણંદ ખાતે માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત હવે સોફ્ટવેરથી આગળ વધી હાર્ડવેર ક્ષેત્રમાં પણ પોતાની મજબૂત ઓળખ ઉભી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ૨૦મી સદીમાં તેલ વિશ્વનું મુખ્ય સંસાધન હતું, જ્યારે ૨૧મી સદીમાં માઇક્રોચિપ સૌથી મહત્વપૂર્ણ બનશે. રૂ. ૨૨,૫૧૬ કરોડના આ પ્રોજેક્ટ સાથે ગુજરાત દેશના ‘સેમિકન્ડક્ટર હબ’ તરીકે આગળ આવશે.
 

નરેન્દ્ર મોદીસાણંદના વિકાસને યાદ કરતાં જણાવ્યું કે, “મેં પોતાની આંખે સાણંદને માત્ર એક કાર ફેક્ટરીથી દેશના અગ્રણી ઓટોમોબાઈલ હબમાં રૂપાંતરિત થતું જોયું છે. એક મોટી કંપનીના આગમન સાથે સમગ્ર ઇકોસિસ્ટમ વિકસ્યું, સપ્લાયર નેટવર્ક ઊભું થયું અને રોજગારીના અવસરોમાં નોંધપાત્ર વધારો થયો. આજે સાણંદ વૈશ્વિક નકશા પર પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે.”

તેમણે વધુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાત એવું આધુનિક જીવનધોરણ અને અનુકૂળ સામાજિક વાતાવરણ પૂરુ પાડશે, જેની આજના સમયમાં દરેક વ્યક્તિ અપેક્ષા રાખે છે.

વડાપ્રધાને આ અવસર પર Micron Technologyના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્રાંતિની સદી છે અને ભારત આજે વૈશ્વિક સ્તરે ક્ષમતા, સ્પર્ધાત્મકતા અને પ્રતિબદ્ધતા ધરાવતો ભાગીદાર બની રહ્યો છે.

તેમણે ઉમેર્યું કે થોડા વર્ષો પહેલાં સુધી દેશમાં ચિપ અને ડેટા વિશે મર્યાદિત ચર્ચા થતી હતી, પરંતુ આજે ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનમાં ઝડપથી સ્થાન મેળવી રહ્યું છે. સરકારનું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી ઉભી કરવાનો નથી, પરંતુ સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે—જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માણ અને લોજિસ્ટિક્સ સુધીના તમામ તબક્કાઓનો સમાવેશ થાય છે.