ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 મે 2017 (11:52 IST)

સોશિયલ મીડિયામાં બાપુનો વિવાદ ચરમસીમાએ, રાહુલ ગાંધી સહિત 30 નેતાઓને અનફોલો કર્યાં, ભાજપ વિરોધી ટ્વિટ પણ હટાવી

ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ અને અંદરખાનગી વિરોધ હવે જગજાહેર થઈ ગયો છે. એટલે જ કદાચ રાજ્યમાં ભાજપની સરકાર આટલા વરસો સુધી શાસન કરી રહી છે. પ્રદેશ કોંગ્રેસે ગત રવિવારે સોશિયલ મિડીયાની ટીમને વધારે સક્રિય બનાવવા માટે એક મીટિંગનું આયોજન કર્યું હતું. ત્યારે એ જ સમયે કોંગ્રેસના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનો વિવાદ ઉડીને આંખે વળગ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર નિશ્ક્રિય રહેવાનો નિર્ણય કરતાં ટ્વિટર પર કોંગ્રેસ હાઈકમાન્ડ સહિત ગુજરાત કોંગ્રેસના 30 જેટલા નેતાઓને અનફોલો કરી દીધાં હતાં. તેમાં કોંગ્રેસના ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ હતાં. તે ઉપરાંત તેમણે પોતાના પેજ પરથી ભાજપ વિરોધી ટ્વીટને પણ ડીલિટ કરી નાંખી હતી.  એ જ રીતે ફેસબુક એકાઉન્ટ પરથી જૂની પોસ્ટ હટાવી લીધી હતી. એટલું જ નહિ પરંતુ વિપક્ષી નેતા અમદાવાદ ખાતે યોજાયેલી પ્રદેશ કોંગ્રેસની સાયબર મીટમાં પણ ગેરહાજર રહ્યા હતા

.સૂત્રો દાવો કરે છે કે, વાઘેલા ટ્વિટર એકાઉન્ટ પર ૩૦ જેટલા નેતાને ફોલો કરતા હતા પણ આ નેતાઓ વાઘેલાને ફોલો કરતાં ન હતા. વાઘેલાએ અત્યાર સુધીમાં ૪૫૦૦ જેટલી ટ્વિટ કરી હતી, પરંતુ તેના જવાબરૃપે કોઈ રિટ્વિટ પણ કરતા નહોતા. આ કારણસર જ રાહુલ ગાંધી સહિતના નેતાઓને તેમણે અનફોલો કર્યા છે. એ જ રીતે ફેસબુક પરની જૂની પોસ્ટ પણ તેમણે દૂર કરી હતી. સૂત્રો કહે છે કે, પ્રદેશ કોંગ્રેસની રવિવારની સાયબર મીટમાં વાઘેલા કોંગ્રેસના આઈટી સેલની ટીમને માર્ગદર્શન આપવા જવાના હતા, જોકે તેમણે આ કાર્યક્રમમાં જવાનું મુનાસીબ માન્યું ન હતું અને તેને બદલે કપડવંજ તેમજ બાયડના પ્રવાસે ઉપડયા હતા. આ બાબતને લઈ કોંગ્રેસના રાજકીય વર્તુળોમાં ફરી એક વાર તરેહ તરેહની ચર્ચાઓ જાગી હતી. અરવલ્લીના બાયડમાં વિપક્ષી નેતા વાઘેલા એક ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકારણીઓ સમાજના સાચા ડોક્ટર છે. તેમણે કહ્યું કે, ચૂંટણીઓ બહુ લડયો, લોકસભા કે વિધાનસભામાં લડવું મહત્ત્વનું નથી. પ્રજાના પ્રશ્નો માટે લડવું જરૃરી છે. વિપક્ષી નેતાના આ વિધાન બાદ રાજકીય માહોલ ગરમાયો હતો.