સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 મે 2017 (13:01 IST)

સુરતમાં NEETની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓની બાંયો કાપી નાંખી

હાલમાં સોશિયલ મીડિયા પર નીટની પરિક્ષાને લઈને ભારે વિરોધના સુર વહેતા થયાં છે. જેમાં પરિક્ષા આપવા માટે આવેલા લોકોના કપડાંની બાયો પણ કાપી નાંખવામાં આવી હતી. તે ઉપરાંત મહિલાઓના ઘરેણાં પર કાપી લેવામાં આવ્યાં હતાં. સુરતમાં NEETની પરીક્ષા આપવા આવેલા કેટલાંય ઉમેદવારોનું સ્વાગત નિરીક્ષકોએ કાતર લઈને કર્યું હતું. ફૂલ સ્લીવ્ઝના કપડા પહેરીને આવેલા વિદ્યાર્થીઓની NEETના ડ્રેસ કોડ મુજબ સ્લીવ્ઝ કાપી નાંખવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ અધિકારીઓ પરીક્ષાના નિયમોને ચુસ્તતાથી વળગી રહ્યા હતા અને ફૂલ સ્લીવ્ઝ વાળા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની છૂટ અપાઈ નહતી. અમદાવાદના જાણીતા એક અખબારના રીપોર્ટ મુજબ, “કેટલાંક વિદ્યાર્થીઓએ આ વાતાનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સ્લીવ્ઝ ન કપાવી જોઈએ.” વિદ્યાર્થીઓ અને વાલીઓએ દાવો કર્યો હતો કે તેમને આવા કોઈ નિયમની જાણ નહતી. જો કે અધિકારીઓના જણાવ્યા મુજબ આ અંગે એક સરક્યુલર પહેલેથી ફરતો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ આ વાતનું ધ્યાન રાખવા જેવું હતું.સુરતની જે.એચ અંબાણી શાળામાં પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારે જણાવ્યું, “ઘણા વિદ્યાર્થીઓને આ નિયમની જાણકારી નહતી. આથી અધિકારીઓએ અમને રોક્યા ત્યારે અમે આઘાત પામી ગયા હતા. કેટલાંક વાલીઓ પણ આ વાતને લઈને ખીજાઈ ગયા હતા.”