ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2022 (17:36 IST)

અમદાવાદમાં નૂપુર શર્માના વિરોધમાં હજારોનુ ટોળુ બહાર નીકળ્યુ, શાંતિ જાળવી રાખવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ahmedabad
છેલ્લા કેટલાક દિવસથી ભાજપનાં નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પડઘા વડોદરા અને સુરત સાથે અમદાવાદમાં પણ પડ્યા છે. મોહંમદ પયગંબર વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે લાલ દરવાજા વિસ્તારમાં આવેલું ઢાલગરવાડ બજાર અને ત્રણ દરવાજા બજાર આખું બંધ રાખવામાં આવ્યું છે. ઢાલગરવાડ અને ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા પાથરણાબજારના વેપારીઓએ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. દરિયાપુર વિસ્તારમાં પણ બંધ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત સ્થાનિકોએ નૂપૂર શર્માની ધરપકડની માગ કરતાં બેનર લઈને રેલી કાઢી હતી.
 
આજે સવારે દસ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ બજાર શરૂ થયું હતું. જોકે પાથરણાબજારને 12 વાગ્યા બાદ કેટલાક લોકોએ આવીને બંધ કરાવી દીધું હતું. પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ક્યાંય કોઇ અનિચ્છનીય ઘટના કે તોફાની તત્ત્વો કાંકરીચાળો ન કરે એને પગલે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે.
 
અમદાવાદના મિર્ઝાપુર ત્રણ રસ્તા પાસે નૂપુર શર્માના વિરોધમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું બહાર આવ્યું હતું. જે બાદ કારંજ અને શાહપુર પોલીસ સ્ટેશન સહિત ઝોન-2 ડીસીપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડી રહ્યા છે. સેકટર 1 જેસીપી આર.વી અંસારીએ મિર્ઝાપુર પહોંચી અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું લોકોને સમજાવી અને ઘરમાં જવા માટે સૂચના આપી હતી.
 
ગુરુવારથી અમદાવાદમાં બંધ રાખવાના મેસેજ વાઈરલ
સૂત્રો મુજબ, ભાજપના નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પગલે વિરોધ કરવા ગઈકાલે ગુરુવારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં બંધના મેસેજ વાઇરલ કરવામાં આવ્યા હતા, જેને પગલે લાલ દરવાજા, કારંજ, પટવાશેરી સહિતના આસપાસના વિસ્તારોના સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને સ્થાનિક પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ તથા ભાઈચારાની એકતા જળવાઈ રહે એ માટે બંધ ન રાખવા સમજાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા બંધ ન રાખવા સંમતિ દર્શાવી હતી.