શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 જુલાઈ 2017 (10:39 IST)

ટ્રાફિકના ભંગ બદલ અમદાવાદમાં 9.61 લાખ લોકોને મળ્યો ઈ મેમો , 1000થી વધુ લોકોનાં લાયસન્સ રદ થયાં

શહેરમાં ટ્રાફિક પોલીસે વિદેશમાં જે રીતે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે છે તેવી પદ્ધતિથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ તેની સામે શહેરીજનો તરફથી જોઈએ તેવો સહકાર મળી રહ્યો નથી. શહેર ટ્રાફિક પોલીસ 9.61 લાખ લોકોને ઈ-મેમો આપ્યા છે. મે-2017ની સ્થિતિએ આટલા મેમોની કુલ 14.97 કરોડની વસુલાત થવી જોઈતી હતી. પણ, ટ્રાફિક પોલીસમાં માત્ર રૂા. 2.42 કરોડ જ વસુલી શકી છે. ઈ મેમો પહેલા એવી વ્યવસ્થા હતી કે ટ્રાફિક પોલીસ નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને રસ્તા પર ઉભા રાખીને ડંડ વસૂલતા હતા પરંતુ હવે ઘરબેઠાં ઈ-મેમો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં નાગરિકોએ જાતે જ દંડ ભરવાનો હોય છે. પોતાને નજીક પડે તે પોલીસ સ્ટેશનમાં દંડ ભરવા ઉપરાંત હવે તો ઓનલાઈન દંડ ભરવાની સુવિધા પણ ટ્રાફિક પોલીસે કરી આપી છે. આમ છતાં, લોકોની ઉદાસીનતાના કારણે હજુ 12.55 કરોડની દંડ વસુલાત બાકી હોવાથી ટ્રાફિક પોલીસ ભરાઈ પડી છે. એ વાત અલગ છે કે, ઈ-મેમો આધારિત દંડ પદ્ધતિમાં પ્રજાજનોને વધુ એક તક આપી ટ્રાફિક પોલીસની ‘હાજર દંડ’ પ્રથા હમણાં ચાલુ નહીં કરવાનો નિર્ણય હાલ પુરતો કર્યો છે. જો કે, દંડ ભરવાના મામલે લોકોની ઉદાસીનતા જળવાઈ રહે તો ફરી વખત શહેરના માર્ગો ઉપર ટ્રાફિક પોલીસ દંડ વસુલવાનું શરૂ કરે તે દિવસો દૂર નથી. 

 ‘એક મહિના સુધી પોલીસ સ્થળ ઉપર તમને ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ મેમો નહીં આપે.’ શહેર પોલીસ કમિશનરે જારી કરેલું પ્રાયોગિક જાહેરનામું 1 જુલાઈ પુરૂં થયું અને વધુ એક મહિનો આ પ્રક્રિયાને લંબાવવામાં આવી છે. ઈ-મેમો આધારિત પદ્ધતિના કારણે ટ્રાફિક પોલીસને દરરોજનું રૂા. 2 લાખનું રોકડ નુકસાન થઈ રહ્યું છે. ટ્રાફિક પોલીસ રસ્તાઓ ઉપર દરરોજ બે લાખનો ‘હાજર દંડ’ વસુલતી હતી તે અટકી ગયો છે. ટ્રાફિક પોલીસ દરરોજના 5000થી વધુ ઈ-મેમો તૈયાર કરે છે પણ માંડ 20 ટકા લોકો જ દંડના પૈસા ભરતા હોવાથી આ નુકસાન થઈ રહ્યું છે.  

સામાજીક કાર્યરત રોહીત પટેલની RTIના જવાબમાં ટ્રાફિક પોલીસે આપેલી વિગતો મુજબ, તા. 15 જુલાઈ 2017ની સ્થિતિએ CCTV કન્ટ્રોલ રૂમ દ્વારા 9.61.632 ઈ-ચલણ ઈસ્યુ કર્યા છે. જેનાથી રૂા. 2,42,44,277નો કુલ દંડ વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે રૂા.12,55,46,299નો દંડ વસુલવાનો બાકી છે. ઈ-મેમો સિસ્ટમથી દંડ વસુલાત વિલંબીત બની છે. પોસ્ટ દ્વારા ઈ-મેમો મળે અને લોકો દંડ ભરપાઈ કરે તે પ્રક્રિયામાં ખાસ્સો સમય વિતે છે. ઈ-મેમો પ્રોજેક્ટમાં વસુલાત ઝડપી બનાવવા હવે ટ્રાફિક પોલીસે ‘ઓનલાઈન પેમેન્ટ’નો વિકલ્પ પણ શરૂ કર્યો છે.  

ઉચ્ચ સુત્રો કહે છે કે, ‘ઓનલાઈન’ સિસ્ટમથી દંડ વસુલાતની ઝડપ વધી છે. આમ છતાં, ઈ-મેમો મળતાં જ દંડની રકમ ભરી જનારાંઓની સંખ્યા ઓછી છે. દંડ નહીં ભરનારાંઓની સંખ્યા હજુ વધુ છે. ટ્રાફિક નિયમભંગ બદલ ફાઈન ભરવામાં લોક-સહકાર નહીં મળે તો પોલીસે નાછૂટકે દંડ વસુલાત માટે કાયદાનો સહારો લેવો પડશે. હજુ એક મહીનો લોકોને શહેરના રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસના ‘હાજર દંડ’માંથી મુક્તિ મળી છે. આ જ સ્થિતિ રહી તો શહેરમાં આવનારાં દિવસોમાં હાજર દંડ અને ઈ-મેમો, એમ ટ્રાફિક પોલીસની વસુલાતનું બેવડું આક્રમણ શરૂ થઈ શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે.  

શહેર ટ્રાફિક પોલીસે ઈ-મેમોનો દંડ નહીં ભરતાં શહેરીજનો સામે કડક પગલાં ભરવાની તૈયારીઓ કરી લીધી છે. નજીકના ભવિષ્યમાં જ ઈ-મેમોનો દંડ નહીં ભરનાર વાહનચાલકો સામે NC ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. લાંબો સમય વિતવા છતાં જેમણે પૈસા નથી ભર્યા તેવા ઈ-મેમોનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. ઉચ્ચ સુત્રો કહે છે કે, NC ગુનો દાખલ થશે તે પછી વાહનચાલકો કોર્ટમાં હાજર થવું પડશે અને ટ્રાફિક નિયમભંગ ઉપરાંત અદાલત આદેશ કરે તે મુજબનો દંડ ભરવાનો વખત પણ આવી શકે છે.  
શહેરમાં પાંચ વખત નિયમભંગ કરનાર વાહનચાલકનું લાઈસન્સ રદ કરવા ટ્રાફિક પોલીસ RTOમાં ભલામણ કરે છે. અત્યાર સુધીમાં એક હજાર જેટલા વાહનચાલકોના લાઈસન્સ RTO તંત્રએ છ મહિના માટે રદ કર્યા છે. કડવી વાસ્તવિકતા એ છે કે, લાઈસન્સ રદ થયાં હોય છતાં વાહન ચલાવવામાં આવે તો તેને રોકી શકાય તેવું કોઈ આયોજન જ નથી. CCTVથી ઈ-મેમો તૈયાર થાય છે તેમાં લાઈસન્સ રદ થયેલા વાહનચાલકને કઈ રીતે જુદા તારવવા એ પ્રશ્ન છે. જો કે, ઉચ્ચ સુત્રો કહે છે કે ટ્રાફિક PSI, PI કે ACP કક્ષાની ડ્રાઈવમાં આવા વાહનચાલકો પકડાઈ શકે છે. જો કે, અત્યાર સુધીમાં આવો એકપણ કેસ પકડાયો નથી.