જ્યાં સુધી આ ગુજરાત ભગવાન રામમય નહીં થાય, ત્યાં સુધી ગુજરાતના લોકોનો પીછો નહીં છોડુંઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વર બાબા ગઈકાલથી ગુજરાતમાં પધાર્યા છે. સુરતમાં તેમનો દિવ્ય દરબાર યોજાયો છે. હવે તેઓ અંબાજીમાં માં અંબાના દર્શન કરવા જશે. ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 10 દિવસ સુધી તેઓ રાજ્યના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર કરશે. ત્યારે ગઈકાલે સુરતમાં નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર સાંજે 5 વાગ્યે લાગ્યો હતો. તેમણે દિવ્ય દરબારની શરૂઆત કરી ત્યારે મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, ભારતને જ નહીં પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. આ ઉપરાંત મહાભારત કાળનું સુરત કનેક્શન ખોલ્યું હતું.
ભારત હિન્દુ રાષ્ટ્ર હતું છે અને રહેશે
ધીરેન્દ્ર શાસ્ત્રીએ સુરતમાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓ હું તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી આ ગુજરાત ભગવાન રામમય નહીં થાય, ત્યાં સુધી ગુજરાતના લોકોનો પીછો નહીં છોડું. મારા બાગેશ્વર ધામના પાગલો એક વાત તમે તમારા જીવનમાં યાદ રાખજો કે જે દિવસે ગુજરાતના લોકો સંગઠિત થઈ જશે. તો ભારત તો શું, આપણે પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. અહિંયાનાં લોકો બોલે છે. હાઉં પોસિબલ હિન્દુ રાષ્ટ્ર? હું એમને એટલું જ કહેવા માગું છું કે ભારત હિન્દુ રાષ્ટ્ર હતું છે અને રહેશે.જે કહેતા હતા કે ભગવાન નથી હોતા, શક્તિઓ નથી હોતી, આ બધા પાખંડ છે અને ભારતના સંત પાખંડી હોય છે, તેમની ખેર નથી.
નીલગિરિ ગ્રાઉન્ડ પર હનુમાનજીની કથા કરશે
બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે 12 વાગ્યે ધીરેન્દ્ર શાસ્ત્રી ખાટુ શ્યામ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતાં. ત્યાર બાદ સુરતની TGB હોટલમાં VIP દિવ્ય દરબાર લાગશે. જેમાં શહેરના જાણીતા લોકો જ હાજર રહેશે. આ દરબાર માટે VIP લોકોને 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીના પાસ આપવામાં આવ્યા છે. આ VIP દરબાર પછી ધીરેન્દ્ર શાસ્ત્રી ફરીથી નિવાસસ્થાન ગોપીનફાર્મ જશે અને ફરી સાંજે નીલગિરિ ગ્રાઉન્ડ પર આવી હનુમાન દાદાની કથા કરશે. કથા દરમિયાન કોઈ પરચી ફાડવામાં આવશે નહીં.