ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (14:33 IST)

બહુચર્ચિત સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસમાં ડી.જી વણઝારા અને અમીન આરોપ મુક્ત જાહેર

મુંબઈની સીબીઆઈ કોર્ટે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના નિવૃત્ત આઈપીએસ ઓફિસર ડી.જી. વણઝારા અને રાજસ્થાનના આઈપીએસ અધિકારી એમ.એન. દિનેશને સંપૂર્ણ દોષમુક્ત જાહેર કર્યા છે. બંન્ને આઈપીએસને પુરાવાના અભાવે દોષ મુક્ત કરાયા છે.

આ કેસમાં બીજેપીના અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક નેતાઓને પહેલાં જ દોષમુક્ત જાહેર કરી ચૂકાયા છે. ડી.જી. વણઝારા ગયા વર્ષે જ 9 વર્ષ પછી ગુજરાત પરત આવ્યા છે. તેઓે આ મામલામાં 8 વર્ષ જેલમાં રહ્યા હતા અને પરત ફર્યા બાદ તેમનું ઢોલનગારાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે થોડાંક સમય પહેલાં જ સીબીઆઈની એક વિશેષ કોર્ટે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપિતના કથિત ફેક એન્કાઉન્ટરમાં મોત સંબંધમાં ગુજરાતના આઈપીએસ ઓફિસર રાજકુમાર પાંડિયાનને આરોપમુક્ત કરી દીધા હતા. 2005માં થયેલા કથિત સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર મામલામાં ડી.જી. વણઝારાની 24 એપ્રિલ, 2007ના દિવસે ધરપકડ કરવામાં આવી હતી અને 2014ના સપ્ટેમ્બર મહિનામાં તેમને જામીન મળ્યા હતા. વણઝારાને પહેલાં ગુજરાત આવવાની પરવાનગી નહોતી પણ ગયા વર્ષે એપ્રિલમાં સીબીઆઇની વિશેષ અદાલતે તેમને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવાની અને રોકાવાની પરવાનગી આપીને જામીનની શરતોમાં છૂટછાટ આપી હતી.  સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સપ્ટેમ્બર 2012માં સીબીઆઈની વિનંતીને લઈ મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટે તુલસીરામના કેસને સોહરાબુદ્દીનના કેસ સાથે મર્જ કરી દીધો હતો. સીબીઆઇએ બંન્ને કેસમાં ડી.જી.વણજારા સહિત 38 કરતાં વધુ પોલીસ ઓફિસરની ધરપકડ કરી હતી. જેમાં હાલ તમામ આરોપીઓ જામીન પર બહાર આવી ગયા છે.