રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

અમદાવાદમાં શાકભાજીમાં ત્રણ ગણો ભાવ વધારો થતાં લોકો ત્રસ્ત, જાણો શું છે નવા ભાવ

અમદાવાદ શહેરમાં છેલ્લા દશેક દિવસમાં વિવિધ શાકભાજીના ભાવમાં સો ટકાથી પણ વધુનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને ગરીબ અને મધ્યમવર્ગ માટે બે ટાઇમ શાકભાજી ખાવી કપરું બની રહ્યું છે. વરસાદથી માલને નુકશાની તેમજ શહેરમાં શાકભાજીનું હબ ગણાતું જમાલપુર માર્કેટ છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હોવાથી માલ ઠાલવવામાં ખેડૂતોને પડી રહેલી હાલાકી, ચોક્કસ જગ્યાના અભાવે માલ લેવા માટે શહેર અને તેની આજુબાજુ વિસ્તારોમાં  ફાંફા મારતા વેપારીઓ અને રિટેલરોના ધમપછાડા સહિતના કારણોસર શહેરમાં શાકભાજી બમણા-તમણા ભાવે વેચાઇ રહી છે. અરાજકતા ભરેલી આ સ્થિતિમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાં મનફાવે તેવા ભાવ બોલાઇ રહ્યા હોવાથી લોકો પણ  શાકભાજીની ખરીદીમાં ખૂલ્લેઆમ લૂંટાઇ રહ્યા છે. શાકભાજીના વેપાર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણને લઇને જમાલપુર માર્કેટ બંધ કરાયા બાદ શહેરમાં શાકભાજી લાવવી મુશ્કેલ બની રહ્યું છે. રાજ્ય અને દેશભરમાંથી શાકભાજી લઇને આવતા ખેડૂતો ે માટે સરળ અને સુગમ પડે તેવી કોઇ ચોક્કસ જગ્યા તંત્ર દ્વારા આજદીન સુધી પુરી પડાઇ ન હોવાથી શહેરમાં શાકભાજી સપ્લાયની આખી ચેન છિન્નભિન્ન થઇ જવા પામી છે. આ સ્થિતિમાં ભાવ વધારો પરિણામ સ્વરૂપ જોવા મળી  રહ્યો છે. દશ દિવસ પહેલા હોલસેલમાં ૬ થી ૧૦ રૂપિયે કિલો મળતા ભીંડા હાલમાં ૪૦ થી ૫૦ રૂપિયે મળી રહ્યા છે. તેવી જ રીતે ગીલોડા ૧૦ થી ૨૦ ના ૫૦ થી ૮૦ થયા, ગવાર  ૨૦ થી ૩૫ ના  ૫૦ થી ૯૦ થયા, કારેલા ૧૦ થી ૧૫ ના સીધા ૩૦ થી ૪૦ થયા, ધાણા જે પહેલા ૧૫ થી ૩૦ માં મળી રહેતા હતા તે હાલમાં ૧૦૦ થી ૨૦૦ રૂપિયે કિલો હોલસેલમાં મળે છે. ફૂલાવર ૧૦ થી ૨૦ના ૪૦ થી ૮૦ ભાવ થઇ ગયો છે.  દરેક શાકભાજી મોંઘી થઇ ગઇ છે.  આ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ ભાવ આપવા છતાંય માલની ગુણવત્તા મળતી નથી. ૨૦ કિલોના ઝભલામાં ૫ થી ૭ કિલો માલ સળેલો નીકળે છે. પહેલા જમાલપુરમાંથી દરેક શાકભાજી મળી રહેતી હતી હવે તે મળતી નથી. તેથી વાહનો શહેરની ફરતે દોડાવવા પડી રહ્યા છે. આથી કિલોએ ૨૦ થી ૪૦ રૂપિયા ભાવે વધારીને છૂટકમાં વેચીએ તો જ આ ધંધો પોષાય તેમ હોવાનું તેઓ જણાવી રહ્યા છે. હાલમાં જેતલપુર હાઇવે પર, સીટીએમ માર્કેટ, જમાલપુરની આજુબાજુના વિસ્તારોમાં , ગાંધીનગરમાં આલમપુર માર્કેટ, દહેગામ સહિતના વિસ્તારોમાં શાકભાજી લેવા જવું પડે છે. તેથી વાહનભાડુ વધી જાય છે.  ખેડૂતોના જણાવ્યા મુજબ અમદાવાદમાં માલ ઠાલવવાનું ચોક્કસ સ્થળ ન હોવાથી ખેડૂતોએ તેમનો માલ લઇને આમતેમ રખડવું પડે છે. વરસાદથી માલને નુકશાન થયું છે. ખેતરોમાં માલ સળી ગયો છે. તેથી ખેડૂતોને પણ નુકશાન વેઠવું પડી રહ્યું છે. આ સ્થિતિમાં હાલમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા તેમજ  સરકાર દ્વારા શહેરમાં આવતી શાકભાજી માટે યોગ્ય અને તમામને અનુકુળ રહે તેવી વ્યવસ્થા આજદીન સુધી ઉભી કરાઇ ન હોવાથી શહેરમાં વરસતા ૬૦ લાખથી વધુની જનસંખ્યાને હાલમાં મોંઘા ભાવે શાકભાજી ખાવાની ફરજ પડી રહી છે.