શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 જાન્યુઆરી 2021 (11:18 IST)

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 4 દિવસ હાડ થીજવતી ઠંડી પડશે, અમદાવાદમાં 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર રહેશે

ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં હિમાલયમાંથી વાતા કાતિલ ઠંડા પવનોને કારણે ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થયો છે.  ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની રાજ્યોમાં ગુજરાતનું નલિયા 5.1 ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું હતું. પાકિસ્તાન પર છવાયેલું સાઇક્લોનિક સરક્યુલેશન ઉત્તરના કાતિલ પવનોને અટકાવતું હતું પરંતુ હવે તે પૂર્વમાં આગળ વધી જતાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 3 થી 7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.  હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચાર દિવસ દરમિયાન 3 ડિગ્રી સુધી તાપમાન ઘટતાં ઠંડીના ચમકારામાં વધારો થશે. આગામી 3 દિવસ કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. જોકે, દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. 'અમદાવાદમાં 11.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.6 ડિગ્રીનો ઘટાડો જ્યારે 28.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.1 ડિગ્રીનો વધારો થયો હતો. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર રહેશે. અમદાવાદમાં ગત વર્ષે 15 જાન્યુઆરીએ 9  ડિગ્રી સાથે જાન્યુઆરી માસનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ઠંડીનું જોર વધુ રહ્યું ત્યાં 9 ડિગ્રી સાથે ગાંધીનગર, 10.5 ડિગ્રી સાથે વલસાડ, 11 ડિગ્રી સાથે અમરેલી, 12 ડિગ્રી સાથે રાજકોટનો સમાવેશ થાય છે.