સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ, , ગુરુવાર, 6 જૂન 2024 (15:46 IST)

રાજકોટમાં અકસ્માત થતાં મહિલાએ પોતાનું જ એક્ટિવા સળગાવ્યું, વીડિયો વાયરલ

woman sets her own Activa on fire
woman sets her own Activa on fire
ત્યાર બાદ વાહન નુકસાની અંગે ખર્ચ માંગતા એક મહિલાએ ગુસ્સામાં પોતાના જ એક્ટિવામાંથી પેટ્રોલ કાઢીને આગ ચાંપી હતી. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, આગ ચાંપનાર યુવતી નશામાં હોય તેવું લાગતું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે યુવતી સામે કાર્યવાહી હાથ ધરી છે. 
 
એક્ટિવા ઉપર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવાસ યોજના ક્વાર્ટર નજીકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે યુવતીઓ વાહન અથડાવવા બાબતે બોલાચાલી કરતી હોવાનું જોવા મળી રહ્યું છે. જે પૈકી વાહન અથડાવનાર યુવતી હાથમાં ધારદાર દાતરડું લઈ સામેવાળી યુવતીને ડરાવી રહી છે અને ત્યાંથી નાસી જવા કોશિશ કરે છે. પરંતુ યુવતી વાહનની આગળ ઉભી રહી જતા વાહન અથડાવનાર યુવતીએ પોતાનું એક્ટિવા પછાડી તેમાં દાતરડું મારી પેટ્રોલ કાઢી એક્ટિવા ઉપર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. 
 
પોલીસે યુવતી સામે કાર્યવાહી હાથ ધરી
આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા રાજકોટ તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇએ મીડિયાને જણાવ્યું હતું કે, વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી યુવતી પોતે આવાસ યોજના ક્વાર્ટરમાં જ રહે છે. તેણે પોતાનું એક્ટિવા સળગાવી દીધું છે. જેની સામે જી.પી. એક્ટ કલમ 135 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવતી દારૂના નશામાં હોવાની ચર્ચા વાઇરલ વીડિયોમાં થતા તેમના બ્લડ સેમ્પલ લઈ આ માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજુ સુધી યુવતી દારૂના નશામાં હતી કે નહીં તે સામે આવ્યું નથી.