શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 માર્ચ 2022 (16:50 IST)

ગોંડલ ખોડલધામમાં મહિલા સમિતિની મહિલાઓએ 35 મણનો લાડુ બનાવ્યો

આજે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિરમાં મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. ગોંડલ ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓએ 35 મણનો લાડુ બનાવ્યો છે, જે મા ખોડલ સમક્ષ ધરવામાં આવ્યો છે. આ માટે મહિલાઓએ ગોંડલમાં પાટીદાર સમાજના ઘરે ઘરે ફરી 1-1 વાટકી ઘઉં અને ઘી એકત્ર કર્યું હતું.
 
22 મહિલાએ આખો એક દિવસ મહેનત કરી
35 મણનો મહાકાય લાડુ બનાવવા માટે 22 મહિલાએ આખો એક દિવસ મહેનત કરી હતી તેમજ મહિલાઓએ પાટીદાર સમાજના ઘરે ઘરેથી એક-એક વાટકી ઘઉં અને ઘી એકત્ર કરવામાં 21 દિવસનો સમય લાગ્યો હતો. આ મહાકાય લાડુમાં 11 ડબ્બા ઘી, 10 ડબ્બા ગોળ, 7 ડબ્બા તેલ અને 47 કિલો ઘઉંના ભડકાનો વપરાશ કરવામાં આવ્યો છે.
 
2100 મહિલાઓએ સાંકળ બનાવી ‘વિશ્વ મહિલા દિવસ’ લખ્યું
ખોડલધામના પટાંગણમાં 2100 મહિલાઓએ સાંકળ બનાવીને ‘વિશ્વ મહિલા દિવસ’ લખી અનોખો મેસેજ આપ્યો હતો. જેનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થતા નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યા હતા. ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી મહિલાની આ કૃતિને બિરદાવી હતી.
 
જામનગરની મહિલાઓ આજે 11 ધ્વજા ચડાવશે
જામનગરની મહિલા આશાબેન કાછડિયાએ જણાવ્યું હતું કે આજે મહિલા દિવસે મહિલાઓને અગ્રતા આપવામાં આવી છે. ખોડલધામના નેજા હેઠળ આ અગ્રતા આપવામાં આવી છે. ખોડલધામ એકતાનું પ્રતીક કહેવાય, જ્યાં બહેનોને આટલું સરસ મહત્ત્વ આપવામાં આવ્યું. અમે બહેનો દ્વારા જ આયોજન કર્યું છે. આજે 11 ધ્વજારોહણનું આયોજન છે, એ જામનગર ખોડલધામ મહિલા સમિત દ્વારા કરવામાં આવ્યું છે. બહેનો ધારે એ કરી શકે એટલી શક્તિ રહેલી છે. 21 મણના લાડુનું આયોજન ગોંડલ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે