1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જુલાઈ 2022 (11:43 IST)

યુવા મોડેલ એસેમ્બલી : તારાંકિત પ્રશ્નોત્તરી, માંગણીઓ પર ચર્ચા, સરકારી વિધેયક, બિન સરકારી કામકાજ પર ચર્ચા વિચારણા કરાઇ

ગુજરાત વિધાનસભા ખાતે ‘ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો’ તથા ‘ધી સ્કૂલ પોસ્ટ’ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને ‘યુવા મોડેલ એસેમ્બલી’ કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનુ ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું હતું.
 
સવારે ૧૦.૦૦ કલાકથી શરૂ થયેલા આ મોક યુવા વિધાનસભાની કામગીરી અંતર્ગત સમગ્ર દિવસ દરમિયાન તારાંકિત પ્રશ્નોત્તરી, માંગણીઓ પર ચર્ચા, સરકારી વિધેયક, બિન સરકારી કામકાજ પર ચર્ચા વિચારણા કરાઇ હતી. સહભાગી બનેલા શાસક પક્ષ તેમજ વિપક્ષના તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધારદાર રજૂઆતો સહિત પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
 
મોક એસેમ્બલી કાર્યક્રમના  શુભારંભ બાદ ૬૦ મિનિટ સુધી તારાંકિત પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. જેમાં સભ્યશ્રીઓ દ્વારા વિવિધ વિભાગોના ૩૦ જેટલાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. આ તમામ પ્રશ્નોના સંબંધિત મંત્રીઓ દ્વારા સવિસ્તૃત જવાબો આપ્યા હતાં. 
 
પ્રશ્ન કાળના અંતે  કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની કૃષિ, નાની સિંચાઈ અને ભૂમિ સંરક્ષણ મુદ્દે તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ જાહેર આરોગ્ય વિષયની માંગણીઓ ઉપર વિસ્તૃત ચર્ચા અને મતદાન થયું હતું, જેમાં આ બંને માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી.
આ ઉપરાંત, વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૨નું સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટી પર સરકારી વિધેયક રજૂ કરવામાં આવ્યુ઼ હતું. આ વિધેયક પર ૬૦ મિનિટ સુધી ચર્ચા કરી, ત્રણેય વાંચન બાદ બહુમતીથી પસાર કરવામાં આવ્યુ઼ હતું.
 
અંતમાં, બિનસરકારી કામકાજ અંતર્ગત સભ્ય આર્યન મહેતા દ્વારા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના સંકટ પર બિનસરકારી સંકલ્પ તેમજ સભ્ય વૈદેહી પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગેના બિનસરકારી સંકલ્પ રજૂ કરાયા હતાં. તેમાં પણ સૌ યુવા સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યવાહી પૂર્ણ થયા બાદ સૌ સહભાગીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું.