પાંડવોના અજ્ઞાતવાસનું સાક્ષી : શ્રીવાસુદેવ તીર્થ
શ્રીવાસુદેવ તીર્થ : મહાભારતકાલીન ધર્મસ્થળ
અમરોહા : ઉત્તર પ્રદેશમાં અમરોહામાં આવેલ પ્રાચીન શ્રીવાસુદેવ તીર્થ મહાભારતકાળમાં પાંડવોના અજ્ઞાતવાસનું સાક્ષી છે. પૌરાણિક ગ્રંથોને અનુસાર લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન થોડોક સમય ત્યાં પસાર કર્યો હતો તેમજ ભગવાન શ્રીકૃષ્ણ પણ તેમને અહીંયા આવીને મળ્યાં હતાં. ઈતિહાસકાર રામનાથ શર્મા 'રમણ' અમરોહવીને અનુસાર લગભગ 3000 વર્ષ પહેલા ઈન્દ્રપ્રસ્થ (દિલ્હી)ના રાજા અમરચૌડેએ અમરોહા શહેર વસાવ્યું હતું. તેમણે અહીંયા શ્રીવાસુદેવ સરોવરના પશ્ચિમી કિનારા પર બટેશ્વર શિવાલયની સ્થાપના કરી હતી. તે વખતે અહીંયા પીપડાનું અને વડનું ઝાડ એકબીજાની સાથે લપેટાયેલ હતાં. આ મંદિર હવે અષ્ટધાતુથી બનેલી ચાદર વડે ઢંકાયેલ છે. ભગવાન કૃષ્ણ અહીંયા આવ્યા ત્યાર બાદ આ સરોવર શ્રીવાસુદેવ સરોવરના નામથી જાણીતું થયું, કેમકે શ્રીકૃષ્ણનું નામ વાસુદેવ પણ છે. સરોવરના પશ્ચિમી કિનારે ભવ્ય વાસુદેવ મંદિર આવેલ છે જેની અંદર રાધા, કૃષ્ણ, રામ, સીતા, શિવ, પાર્વતી, દુર્ગા, હનુમાનજી વગેરે દેવ-દેવીઓની મૂર્તિઓ વિરાજમાન છે. ગાઢા વૃક્ષોની વચ્ચે એક સુંદર બગીચો છે જે વાસુદેવ પાર્કના નામથી જાણીતો છે. આ પાર્કની વચ્ચે જ આ સરોવર આવેલ છે. જેના કિનારે હજારો વર્ષ જુના પીપળા અને વડના ઝાડ છે. સરોવરમાં નીચે ઉતરવા માટે સીડિઓ બનેલી છે. સરોવરની વચ્ચે એક મોટા ચબુતરા પર ભગવાન શિવની મૂર્તિ છે. આ મૂર્તિ સુધી પહોચવા માટે સરોવર પર બંને બાજુ પુલ બનેલા છે. સરોવરની ઉત્તરમાં એક જુનુ વિશાળ ઝાડ છે જેની નીચે અનન્ય કૃષ્ણ ભક્ત કવયીત્રી મીરાબાઈનું મંદિર છે. મીરાબાઈના દરબારમાં કાળી માતાનું મંદિર છે. શ્રીવાસુદેવ તીર્થમાં તુલસી ઉદ્યાન પણ છે જેમાં મહાકવિ ગોસ્વામી તુલસીદાસજીની એક વિશાળ મૂર્તિ છે જે એક ગોળ ચબુતરા પર સ્થિત છે. આ તીર્થ પર બે પાર્ક છે જેમાં જુદા જુદા પ્રકારના સુંદર ફૂલછોડ વાવેલા છે. બાળકો માટે અહીંયા સંસ્કૃત પાઠશાળા અને વાસુદેવ તીર્થના નામથી હાઈસ્કુલ પણ આવેલી છે. સાંજ પડતાં જ આ આખો વિસ્તાર મંદિરોના ઘંટ અને શંખનાદથી ગુંજી ઉઠે છે. રક્ષાબંધનના અવસરે અહીંયા મેળો ભરાય છે. આ દિવસો દરમિયાન સરોવરમાં મેળાના આયોજનકર્તાઓ લાકડીના હાથી-ઘોડા, મગરમચ્છ વગેરે બનાવીને તેમની લડાઈ કરાવે છે, જેને જોવા માટે દૂર દૂરથી હજારો લોકો આવે છે. તે જ હાથી-ઘોડા જેમના વિશે કહેવામાં આવ્યું છે- गज और ग्राह लड़े जल भीतर लड़त लड़त गज हार हरि।गज की टेर सुनी मधुवन में गिरत पड़त पग धाए हरि।।