સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મકર સંક્રાતિ
Written By વેબ દુનિયા|

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગમહોત્‍સવ શરૂ

આજથી 5 દિવસના પતંગમહોત્સવમાં મુખ્ય મહેમાન કેન્‍યાના કોન્‍સ્‍યુલેટ

PTIPTI

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આજથી એટલે કે તા.11થી 15 જાન્‍યુઆરી દરમિયાન 18મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ યોજાઇ રહ્યો છે. શહેરના પોલીસ સ્‍ટેડિયમ ખાતે યોજાનારા આ પતંગ મહોત્‍સવ-2008ની સાથે વિશ્વ ગુજરાતી પરિવાર મહોત્‍સવ પણ યોજાઇ રહ્યો છે. આજે શુક્રવારે સાંજે 5 વાગ્યે મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ "ગુજરાત ઇન આફ્રિકા" થીમ પેવેલિયન, એડવેન્‍ચર સ્‍પોર્ટસ અને ફૂડ કોર્ડને જાહેર જનતા માટે ખુલ્લું મુક્યું છે. જયારે આ વખતે સૌ પ્રથમ વખત દેશ-વિદેશના પતંગબાજોની એક અનોખી પતંગ હરીફાઇ આવતીકાલ શનિવારે યોજાશે.

રવિવારે સવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવનું વિધિવત ઉદ્દઘાટન રાજયપાલ નવલકિશોર શર્મા કરશે અને એ વખતે રંગારંગ કાર્યક્રમથી મહોત્‍સવનો પ્રારંભ થશે. ઉત્તરાયણના દિવસે પતંગબાજો અમદાવાદમાં જુદી જુદી જગાએ પતંગની મજા માણશે અને બીજા દિવસે સુરત તથા રાજકોટ ખાતે પોતાના કૌશલ્‍યનું પ્રદર્શન કરશે.

પ્રવાસન મંત્રી જયનારાયણ વ્‍યાસ અને પ્રવાસન નિગમના અઘ્‍યક્ષ કમલેશ પટેલે જણાવ્‍યું હતું કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ 2008માં 145 પતંગબાજો ભાગ લેશે. 24 દેશોના 69 પતંગબાજો તેમજ ગુજરાત, ભારતનાં જુદાં જુદાં રાજયોમાંથી 76 પતંગબાજો વિવિધ પતંગો અને પતંગબાજીનું પ્રદર્શન કરશે.

ફ્રાન્‍સ, નેધરલેન્‍ડ, ડેનમાર્ક, સિંગાપોર, મલેશિયા, જાપાન, તાઇવાન, ઇન્‍ડોનેશિયા, યુ.કે., ઓસ્‍ટ્રેલિયા, કંબોડિયા, જર્મની, થાઇલેન્‍ડ, સાઉથ આફ્રિકા, બેિલ્‍જયમ, દક્ષિણ કોરિયા, આર્જેન્‍ટીના, તુર્કી વગેરે દેશોમાંથી પતંગબાજો આવ્‍યા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કણાર્ટક, દિલ્‍હી, રાજસ્‍થાનના પતંગબાજો ભાગ લેશે.

આ પતંગ મહોત્‍સવમાં આકર્ષણનું કેન્‍દ્ર ઊભું કરવા આ વખતે સરકારે હરીફાઇનું આયોજન કર્યું છે. જેમાં પાંચ જુદા જુદા પ્રકારની હરીફાઇનું આયોજન ઘડી કાઢવામાં આવ્‍યું છે. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષામાં જુદી જુદી પ્રકારની પ્રિન્‍ટેડ પતંગો, વિદેશી કોલાજથી તૈયાર કરેલા પતંગો, સૌથી નાની પતંગો તેમજ દેશી ફાઇટર પતંગોની હરીફાઇનો સમાવેશ થાય છે. આ તમામ પતંગબાજો ભાગ લઇ શકશે. રાષ્ટ્રીય પતંગબાજો માટે વિદેશી ટાઇપની પ્રિન્‍ટેડ અને કોલાજ કરેલા પતંગોની હરીફાઇનું પણ આયોજન છે.

30 વિદેશી અને 35 ભારતીય પતંગબાજોએ આ હરીફાઇ માટે પોતાની નોંધણી કરાવી છે. તેના જજ તરીકે પતંગ નિષ્‍ણાત ભાનુભાઇ શાહ, દિલીપ કાપડિયા, ફ્રાન્‍સના લીડોવીક પેટ્રીટ, નેધરલેન્‍ડના પીટરસન, કેનેડાના સ્‍કાય મોરિસન રહેશે.

પોલીસ સ્‍ટેડિયમના પરેડ ગ્રાઉન્‍ડમાં થીમ પેવેલિયનની સાથે એડવેન્‍ચર સ્‍પોર્ટસનું આયોજન સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરાયું છે. પંદર જેટલા સ્‍ટોલ ફૂડ કોર્ટ છે. 12મીએ સાંજે સદાકાળ ગુજરાત સાંસ્‍કશ્ચતિક કાર્યક્રમ મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં ખુલ્લો મુકાશે. જેમાં દેશવિદેશના ગુજરાતીઓને પ્રોત્‍સાહિત કરવા અને એક જ પ્‍લેટફોર્મ પર વિશ્વ ગુજરાતી પરિવાર મહોત્‍સવનું આયોજન કરાયું છે.

પતંગ મહોત્સવના મુખ્ય મહેમાન કેન્‍યાના કોન્‍સ્‍યુલેટ -
આ વર્ષે રવિવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવમાં આફ્રિકાખંડના વિવિધ રાજદ્વારી મહાનુભાવોની સાથે દિલ્‍હી સ્‍થિત કેન્‍યાના કોન્‍સ્‍યુલેટ કબોરિયા, યુગાન્‍ડાના ડે. હાઇકમિશનર નિમિષા માધવાણી, રવાન્‍ડા વગેરે ખાતેથી પણ રાજદ્વારીઓ આવનાર છે. રવિવારે ભાગવત વિધાપીઠના વિધાર્થીઓના આદિત્‍ય સ્‍મૃતિથી આ મહોત્‍સવની શરૂઆત થશે.
જુદી જુદી શાળાના દસ હજાર વિધાર્થીઓ સૂર્યવંદના કરશે ત્‍યારે રાજયપાલ અને મુખ્‍યમંત્રી પણ હાજર હશે. બાબા રામદેવ પણ સવિશેષ ઉપસ્‍થિત રહેશે. કદમ્‍બ સંસ્‍થા દ્વારા ગગન રંગ કાર્યક્રમ રજૂ થશે. આખો દિવસ પતંગબાજો પોતાના વિવિધ આકર્ષક પતંગોની કલાબાજી પ્રદર્શિત કરશે.

સોમવારે હેરિટેજ પ્રદર્શન યોજાશે -
આંતરરાષ્ટ્રીય પતંગબાજો માટે હેરિટેજ વોકનું આયોજન સ્‍વામિનારાયણ મંદિરથી માણેકચોક સુધી યોજાશે. દેશ વિદેશના પતંગબાજો કામેશ્વરની પોળ, મોતીભાઇની ખડકી, વાધેશ્વરી પોળ, નાગરકૂઇની પોળ, મણિનગર વગેરે સ્‍થળે જશે. મંગળવારે પતંગબાજો સુરત અને રાજકોટ ખાતે પોતાના પતંગોનું નિદર્શન કરશે.