ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મકર સંક્રાતિ
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 16 જાન્યુઆરી 2008 (18:15 IST)

ગુજરાતમાં ઉત્તરાયણની જોરદાર ઉજવણી

ઉત્તરાયણમાં પડવાથી અને ગળું કપાતાં 6ના મોત-15થી વધુ ઘાયલ

PTIPTI

અમદાવાદ(વેબદુનિયા) રાજ્યભરમાં પતંગના આકાશી યુધ્ધના નજારા વચ્ચે લોકોએ ત્રણ દિવસ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ઉત્તરાયણની ઉજવણીએ જાણે શહેરોના જનજીવનને પણ સ્થગિત કરી નાંખ્યુ હતુ. હોટલો,રેસ્ટોરન્ટો અને ખાણીપીણીની લારીઓને બાદ કરતા શહેરમાં બે દિવસ ધંધા રોજગાર જાણે ઠપ્પ થઈ ગયા હતા. ઉત્તરાયણની રાજયભરના શહેરોમાં રંગેચંગે ઉજવણી વચ્ચે કેટલાંક અનિચ્છનીય બનાવો બન્યા હતા. જેમાં પતંગના દોરાથી ગળું કપાવાથી તેમ જ ધાબા પરથી પટકાતા ત્રણ બાળકો સહિત છ જણાના મોત થયા હતા તેમજ 15થી વધુને ઇજા થઇ હતી.

ઉતરાયણના ત્રણેય દિવસ પવનનો પણ સથવારો મળ્યા હોવાથી પતંગશોખીનોને જલ્સા થઈ ગયા હતા. દિવસના મોટાભાગના સમય દરમ્યાન પવન સાનૂકુળ રહ્યો હોવાથી શહેરોનુ આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલુ રહ્યુ હતુ. ઉત્તરાયણ પર્વના બે દિવસ અગાઉ પતંગ દોરાની શહેરીજનોએ જબ્બર ખરીદી કરી હતી અને એટલા જ ઉત્સાહથી ઉત્તરાયણની ઉજવણી પણ કરી હતી. સોમવારે તો ઓફીસો અને કચેરીઓમાં પણ રજા હોવાથી લોકો સવારથી જ ઉજવણીના મૂડમાં આવી ગયા હતા. અગાસીઓ, ધાબાઓ અને છાપરાઓ પર લોકો ચઢી ગયા હતા. બપોર સુધીમાં તો આખુ શહેર અગાસીઓ અને છાપરાઓ પર ઠલવાઈ ગયુ હતુ. વાતાવરણ કાપ્યો છે....ના પોકારો સાથે ગાજી ઉઠયુ હતુ.

અગાસીઓ પર પતંગરસિયાઓએ ગોઠવેલી ડી.જે.સીસ્ટમ અને સ્પીકરોમાંથી વાગતા ધૂમધડાકાભર્યા સંગીત સાથેના ફિલ્મીગીતોએ લોકોનો રોમાંચ અને ઉત્સાહ વધારી દીધો હતો. અગાસી પર ઠેર ઠેર ઉંધીયા પાર્ટીઓ,ખાણી પીણીની અને દારુની મહેફીલો જામી ગઈ હતી. દિવસ દરમ્યાન મોટાભાગના શહેરીજનો ધાબા પર જ રહ્યા હતા. ઉત્તરાયણની જેમ મંગળવારે વાસી ઉત્તરાયણના દિવસે પણ આ જ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. ત્રીજા દિવસે પણ લોકોએ મોટાભાગનો સમય અગાસીઓ અને ધાબાઓ પર જ પસાર કર્યો હતો. આના કારણે શહેરનુ જનજીવન સતત ત્રીજા દિવસે પણ લગભગ ઠપ્પ રહ્યું હતુ.

ઉત્તરાયણની ઉજવણીમાં આખો દિવસ અગાસીઓ પર પસાર કરનાર લોકોએ સાંજ ઢળ્યા બાદ હોટલો, રેસ્ટોરન્ટો અને ખાણી પીણીની લારીઓ તરફ દોટ મુકી હતી તો કેટલાકે ઓર્ડર આપીને અગાસી પર જ જમવાની મઝા માણી હતી. હોટલો અને રેસ્ટોરન્ટોના સંચાલકો માટે ઉત્તરાયણના બંને દિવસ રાબેતા મુજબ કમાણી કરાવનારા પુરવાર થયા હતા. લોકોએ એક એક કલાક સુધી વેઈટીંગમાં રાહ જોઈને પણ બહાર જ જમવાનુ પસંદ કર્યુ હતુ.

ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કડક પોલીસબંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોલીસે ઉત્તરાયણ પર્વ દરમ્યાન સતત પેટ્રોલીંગ ચાલુ રાખીને પરિસ્થિતિ પર નજર રાખી હતી.
NDN.D

ઉત્તરાયણમાં પડવાથી અને ગળું કપાતાં 6ના મોત-15થી વધુ ઘાયલ -
ઉત્તરાયણની રાજયભરના શહેરોમાં રંગેચંગે ઉજવણી વચ્ચે કેટલાંક અનિચ્છનીય બનાવો બન્યા હતા. જેમાં પતંગના દોરાથી ગળું કપાવાથી તેમ જ ધાબા પરથી પટકાતા ત્રણ બાળકો સહિત છ જણાના મોત થયા હતા તેમજ 15થી વધુને ઇજા થઇ હતી. જે પૈકી વાડીફળિયાના જરીના વેપારીના 11 ર્વિષય પુત્રનું પતંગ લેવાની લ્હાયમાં ધાબા પરથી પટકાતા અને ઉધનાના આશાસ્પદ વિદ્યાર્થીનું પતંગના દોરાથી ગળું કપાયા બાદ થયેલા અકસ્માતમાં કરૂણ મોત થયું હતું.

આ ઉપરાંત ઉત્તરાયણના બે દિવસોમાં ગળું કપાતા તેમજ ધાબા પરથી પટકાતા ઇજા પામવાના અસંખ્ય બનાવો બન્યા હતા. જેઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.