રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : રવિવાર, 25 ઑગસ્ટ 2024 (09:30 IST)

Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા

sheetala mata vrat katha
shitala satam vrat katha એક ગામમાં એક ડોશી તેના બે દિકરાના પરિવાર સાથે રહેતી હતી. તેમાં મોટા દિકરાની વહું ખુબ જ જબરી હતી. તે ઇર્ષાળુ અને કજિયાખોર હતી. જ્યારે નાની વહું ખુબ જ ભોળી હતી. તે બીજાના દુ:ખે દુ:ખી થનારી હતી.
 
એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠ્ઠના દિવસે નાની વહું રસોડે રાંધવા માટે બેઠી તે મોડી રાત સુધી રાંધતાં રાંધતાં થાકી ગઇ હતી એટલામાં જ તેનો નાનો દિકરો ઘોડિયામાં સુતો હતો તે રડવા લાગ્યો તે તેની પાસે થોડી વાર આડી પડી તો સુઇ ગઇ અને ચુલો ઠારવાનો ભુલી ગઇ.ત્યારે શીતળામાતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચુલામાં આળોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાને બદલે આખુ શરીર દાઝી ગયું તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુંને શ્રાપ આપ્યો કે જેવું મારુ શરીર બળ્યું તેવું તારૂ પેટ બળજો.
 
નાની વહુંએ જ્યારે સવારમાં ઊઠીને ઘોડીયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચુલો સળગતો હતો તેથી તે સમજી ગઈ કે આ શીતળામાતાનો જ કોપ લાગ્યો છે. તે ખુબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ તેની સાસુએ તેને આશ્વાસન આપતાં કહ્યું કે તું શીતળામાતા પાસે જઈને તારા દિકરાનું જીવન માંગ મા તો દયાળુ છે તે જરૂર તારા પર કૃપા કરશે.
 
નાની વહું તેની સાસુની વાત સાંભળીને દિકરાને પોતાના ખોળામાં લઈને શીતળામાતાની શોધમાં નીકળી પડી. તેને રસ્તામાં સૌથી પહેલા બે તલાવડીઓ મળી. તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઇ તેનું પાણી પીતું નહોતુ કેમકે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું.નાની વહુને આ રીતે પોતાનો દિકર લઈને જતી જોઈને તલાવડીઓએ પુછ્યું કે બહેન ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના પર લાગેલ શીતળામાતાના કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉ છું. ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન અમારા પાપનું નિવારણ પણ પુછતી આવજે કેમકે જે અમારું પાણી પીવે છે તે મૃત્યું પામે છે.
 
નાની વહું આગળ વધી તો તેને બે આખલા લડતાં જોવા મળ્યાં તે બંન્નેના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતાં. નાની વહુંને જતી જોઈને તેઓએ પુછ્યું કે બહેન ક્યાં જાય છે? તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કયું કે અમારૂ લડવાણું કારણ પુછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પુછજે.
 
નાની વહું આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોશીને પોતાના બંન્ને હાથે વાળમાં ખંજવાળતી જોઈ તે ડોશીએ વહુંને પુછ્યું કે બહેન ક્યાં જાય છે આમ હાંફતી હાંફતી? વહુંએ શીતળામાતાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી કે જરા મારું આટલું માથુ જોતી જા. નાની વહું ખુબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહી. તેને પોતાનો દિકરો તે ડોશીના ખોળામાં મુકીને તેમની જૂ વીણવા માટે બેઠી. થોડી વાર પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીરવાદ આપ્યા કે જેવું મારૂ માથું ઠર્યું તેવું તારૂ પેટ ઠરજો.એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દિકરો જીવંત થયો. નાની વહું સમજી ગઈ કે આ જ શીતળા માતા જ છે. તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભુલની માફી માંગી.ત્યાર બાદ તેને તલાવડીઓના દુ:ખનું નિવારણ પુછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયાં જનમમાં બંન્ને શોક્ય હતી દિવસ ઉગ્યાથી આથમા સુધી લડતી રહેતી હતી કોઇને પણ છાશ કે પાણી આપતી નહોતી. તેથી આ જન્મમાં કોઇ તેમનું પાણી નથી પીતું તું જઈને પાણી પીજે તો તેમના દુ:ખનું નિવારણ થઈ જશે. ત્યાર બાદ તેને બે આખલાના લડવાનું કારણ પુછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયાં જન્મમાં તેઓ દેરાણી-જેઠાણી હતી. તે બંન્ને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઇને પણ દળવા દેતી નહોતી તેથી આ જન્મમાં આખલા બનીને બંન્નેના ડોકે ઘંટીના પડ બાંધી લડ્યાં કરે છે. તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાંખજે તો તે બંન્ને લડતાં બંધ થઈ જશે.નાની વહું શીતળામાતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરી તેને રસ્તામાં આખલા મળ્યાં તે બંનેના દુ:ખનુ નિવારણ કર્યું. ત્યાર બાદ બંન્ને તલાવડીનું પાણી પીને તેઓનું દુ:ખ પણ દુર કર્યું. તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દિકરાને જીવતો જોઇને ખુશીના રેડ થઈ ગયાં. પરંતુ તેની જેઠાણી તો અંદરો અંદર બળી ગઈ.
 
આ રીતે એક વર્ષ પુરૂ થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળામાતાના દર્શનની ઇચ્છા થઈ તો તે પણ ચુલો સળગતો મુકીને સૂઈ ગઈ. રાતે જ્યારે શીતળામાતા આવ્યાં તો તેમનું શરીર ચુલામાં આળોટવાને કારણે બળી ગયું તો તેઓએ મોટી વહુંને શ્રાપ આપ્યો કે જેવું મારૂ શરીર બળ્યું તેવું તારૂ પેટ બળજો. માતાના શ્રાપના કારણે તેનો દિકરો બળીને ભડથું થઈ ગયો.
 
તેને રસ્તામાં બે તલાવડીઓ મળી. તેઓએ તેને પુછ્યું કે બહેન ક્યાં જાય છે? તો તેને કહ્યું કે દેખાતું નથી મારો દિકરો મરી ગયો છે શીતળામાતા પાસે જાઉ છું. તલાવડીઓએ પુછ્યું કે અમારૂ કામ કરીશ તો તેને ના પાડી દીધી અને ચાલી નીકળી. થોડાક આગળ જતાં આખલા મળ્યાં તો તેઓને પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી. તે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોશી પોતાનું માથું ખંજવાળતી મળી. ડોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારૂ માથું જોઇ દઉ મારે શીતળામાતા પાસે જવાનું છે તને દેખાતું નથી મારો દિકરો મૃત્યું પામ્યો છે. તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ ફરીને થાકી ગઈ પણ ક્યાંય શીતળામાતાના દર્શન થયાં નહી એટલે પોતાના દિકરાને લઈને છાતી કુટતી ઘરે આવી.

જેવી રીતે માતા તમે દેરાણીને ફળ્યાં હતાં તેવી રીતે સૌને ફળજો.