શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. શીખ તહેવારો
Written By પરૂન શર્મા|

ગુરૂ નાનક જયંતિ

શીખ ધર્મમાં ઈશ્વર માત્ર એક જ છે એવું માનવામાં આવે છે અને તેમાં શીખ ધર્મના દશેય ગુરૂઓની જન્મ જયંતિને હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવે છે. તેમાં પણ શીખ ધર્મના પહેલા ગુરૂ એવા ગુરૂ નાનકસાહેબની જયંતિનું વિશેષ મહત્વ છે. ગુરૂઓનો જન્મ દિવસ ગુરૂ પૂરબ તરીકે પણ ઓળખાય છે.

શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનકદેવનો જન્મ 20 ઓક્ટોબર 1469ના રોજ કાર્તક સુદ પૂનમની તિથિએ લગભગ એક વાગીને ચાલીસ મિનીટે પાકિસ્તાનના શેખુપુરા જીલ્લાના રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો. તેમના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં દર વર્ષે કાર્તક સુદ પૂનમના દિવસે ગુરૂ નાનક જયંતિ મનાવવામાં આવે છે.

તેમનો જન્મ રાત્રિના સમયે થયો હોઈ ગુરૂ નાનક જયંતિની રાત્રે જાગરણ કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટીએ આ તહેવારને શીખોનો સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ રાત્રે કિર્તન અને સત્સંગ કરે છે.

ગુરૂ મહારાજના પ્રકાશ (જન્મ) સમયે ફૂલોનો વરસાદ કરે છે તેમજ ફટાકડા ફોડે છે અને સામૂહિક પ્રાર્થના કરે છે. પ્રભાતકાળમાં શ્રદ્ધાળુઓ સ્નાનાદિ કરીને પાંચ વાણીનો 'નીત નેમ' એટલે કે દૈનીક પ્રાર્થના કરીને ગુરૂદ્વારા સાહેબમાં ગુરૂ નાનકદેવજીને વંદન કરે છે.

આ દિવસે પોતાની મહેનતની કમાણીનો દસમો ભાગ ગરીબો અને ધાર્મિક કાર્યોમાં અર્પણ કરવાનો તેમજ લંગરમાં જઈને સેવા કરવાનો ખાસો મહિમા છે.

ગુરૂ નાનકદેવજીએ નીષ્ઠાવાન શીખ લોકોને ત્રણ નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. એ ત્રણ નિયમો છે ઈશ્વરની આરાધના, મહેનતની કમાણી અને ગરીબોને દાન.

ગુરૂ નાનકજયંતિના બે દિવસ પહેલા ગુરૂદ્વારાઓમાં ગુરૂ ગ્રંથ સાહેબનો અખંડ પાઠ કરવામાં આવે છે.