મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. શીખ તીર્થ સ્થળ
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (09:49 IST)

નાનકાના સાહેબ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા નાનકાના સાહેબ ખાતે શીખ ધર્મના સ્થાપક અને પહેલા ગુરૂ એવા ગુરૂ નાનક સાહેબનો જન્મ થયો હતો. રાયપુર અને રાય ભોઈ દી તલવંદી તરીકે જાણીતું એવું નાનકાના સાહેબ ગુરૂ નાનક સાહેબનું જન્મ સ્થળ હોઈ શીખ ધર્મના લોકોનું શ્રદ્ધાકેન્દ્ર છે.

લાહોરથી પશ્વિમે 75 કિલોમીટર દૂર આવેલા નાનકાના સાહેબ ખાતે નવ ગુરૂદ્વારા છે. જેમાં ગુરૂ નાનકદેવજીનો જન્મ થયો હતો તે ગુરૂદ્વારા પણ સામેલ છે. દરેક ગુરૂદ્વારા સાથે ગુરૂ નાનકદેવજીના જીવનની કોઈને કોઈ મોટી ઘટના સંકળાયેલી છે.

દર વર્ષે લગભગ 25000 જેટલા શ્રદ્ધાળુઓ નાનકાના સાહેબના દર્શનાર્થે આવે છે. ગુરૂ નાનક દેવજીનું નાનપણ અને યુવાની નાનકાના સાહેબ ખાતે જ વિત્યા હતા. નવ વર્ષની ઉંમરે જ્યારે બાળક નાનકને પંડીત હરદયાલે જનોઈ ધારણ કરવાનું કહ્યું ત્યારે તેમણે આ દોરો માનવતાના સિદ્ધાંતોથી વિરૂદ્ધ હોવાનું કહ્યું હતું.

21 મે 1487ના રોજ ગુરૂ નાનક સાહેબ લગ્નગ્રંથિથી જોડાયા. નાનકાના સાહેબ ખાતે જ ગુરૂ નાનકદેવજી અને વર્ષો સુધી તેમના મિત્ર રહેલા ભાઈ મરદાનાનો ભેટો થયો.

1491માં માત્ર 22 વર્ષની ઉંમરે નાનકાના સાહેબ ખાતે જ ગુરૂ નાનકદેવજી અને મરદાનાએ દિવસો સુધી એકસાથે મૌનવ્રત ધારણ કર્યુ હતું. મૌનવ્રત દરમિયાન તેમણે અન્નનો દાણો પણ ન આરોગ્યો.

35 વર્ષની ઉંમર સુધી ગુરૂ નાનકદેવજી તેમના જન્મસ્થળ નાનકાના સાહેબ ખાતે રહ્યા અને ત્યારબાદ સુલતાનપુરમાં સ્થાયી થયા. 1613માં ગુરૂ હરગોવિંદજીએ નાનકાના સાહેબની મુલાકાત લીધી.

વર્ષો સુધી ગુરૂ નાનકદેવજીના પુત્રના અનુયાયીઓએ આ સ્થળની દેખભાળ કરી. ગુરૂદ્વારાનું વિશાળ બાંધકામ અને તેની પાસે આવેલો બગીચો શ્રદ્ધાળુઓને પ્રભુનો સાક્ષાત્કાર કરાવે છે.

અહીં પણ અમૃતસરના સુવર્ણ મંદિરની જેમ જ પવિત્ર જળનું સરોવર આવેલું છે. ભારતના ભાગલા પડતા ભારતમાં રહેતા શીખોએ હિંસમાં જાનમાલનું ઘણુંબધું નુક્શાન વેઠ્યું. પરંતુ તેમને નાનકાના સાહેબ પાકિસ્તાનમાં ચાલ્યું ગયું તે વાતનો સૌથી વધુ વસવસો થયો. ભાગલા પછી પણ નાનકાના સાહેબ પ્રત્યે શીખોની શ્રદ્ધા અને સમર્પણ ભાવના તેવીને તેવી છે.

હાલ પણ નાનકાના સાહેબમાં 25થી 30 જેટલા શીખ પરીવારો વસે છે અને તેઓ નાનકાના સાહેબની સારસંભાળ રાખે છે. ગુરૂ નાનક જયંતિએ ભારતમાંથી લગભગ 3000 જેટલા શીખ લોકો નાનકાના સાહેબના દર્શનાર્થે આવે છે.