મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. શીખ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ગુરૂનાનક દેવજીના ત્રણ સિદ્ધાંત

જીવનના મૂળ સિદ્ધાંત હંમેશા યાદ રાખો

N.D
શ્રી ગુરુનાનક દેવજીએ જીવનના મૂળ સિદ્ધાંતમાં મનુષ્યને ત્રણ કામ વિશેષ રૂપે કરવા માટે કહ્યાં છે. પહેલું: નામ જપવું, બીજુ : કીર્ત કરવું (કમાઈ કરવી) અને ત્રીજુ : વંડ છકના (વહેચીને ખાવું).

માણસ માટે સૌથી પહેલુ કામ છે પરમેશ્વરનું નામ જપવું, કેમકે ગુરુજીને અનુસાર માણસને જન્મ મળ્યો જ છે પરમેશ્વરના નામનું સ્મરણ કરવા માટે. પરમેશ્વરના નામનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે. મનમાંથી અહમની ભાવના ખત્મ થઈ જાય છે.

ગુરૂજીને અનુસાર જેઓ નામનો જાપ નથી કરતાં તેમનો જન્મ વ્યર્થ જાય છે. જે પ્રભુની આપણે રચના છીએ તેને હંમેશા યાદ રાખવો તે આપણી ફરજ છે. ગુરૂજીને અનુસાર પ્રભુના નામનો જાપ કરવો એટલો જ જરૂરી છે જેટલો કે જીવવા માટે શ્વાસ લેવો.

બીજુ કામ ગુરૂજીએ જણાવ્યું છે કીર્ત કરવાનું એટલે કે, કમાઈ કરવી. પ્રભુએ આપણને જે પરિવાર આપ્યો છે તેનું પાલન પોષણ કરવા માટે દરેક માણસને ધનની કમાઈ કરવી જોઈએ. પરંતુ ખાસ ધ્યાન તો આપણે તે વાતનું રાખવું જોઈએ કે કમાઈ આપણા હકની હોય, અન્યની કમાઈને એટલે કે પારકા ધનને ન ખાવું જોઈએ.

કોઈ પણ જીવને મારીને તેનો જીવવાનો અધિકાર છીનવી લેવો તે પણ પારકો હક માનવામાં આવે છે. આવી કમાઈ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે માણસનું મુખ્ય કામ નામનો જાપ કરવાનું જ છે. કમાઈ તો માત્ર માણસની જરૂરિયાતોને પુર્ણ કરવા માટે જ છે.

ત્રીજુ કામ ગુરૂજીએ જણાવ્યું છે વંડ છકના એટલે કે વહેચીને ખાવું. દરેક માણસે પોતાની કમાણીમાંથી ઓછામાં ઓછો દસમો ભાગ પરોપકાર માટે જરૂર આપવો જોઈએ. પ્રભુએ માણસને કેટલાયે પ્રકારની સુવિધાઓ આપી છે, તેમાં માણસની પણ ફરજ છે કે તન, મન અને ધનથી સેવા કરે. પરંતુ સેવા કરતી વખતે માણસને કોઈ પણ જાતનો અહંકાર ન આવવો જોઈએ.

આ રીતે શ્રી ગુરૂ નાનકે માણસના જીવનના ત્રણ સિદ્ધાંત બતાવ્યાં છે. નામ જપવું, કીર્ત કરવું અને વંડ છકવું. પોતાના જીવનને સફળ બનાવવા માટે આપણે ગુરૂનાનકજીએ બતાવેલા આ સિદ્ધાંતને હંમેશા યાદ રાખવા જોઈએ.