ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. વસંતોત્સવ
Written By પારૂલ ચૌધરી|

વસંત - પ્રકૃતિનો નવો જન્મ

N.D
વસંતનું આગમન થાય છે મહા મહિનાની સુદ પાંચમથી. આ દિવસથી આખી સૃષ્ટિ એક નવી ચેતનામાં રંગાઈ જાય છે. વાતાવરણમાં એક અલગ જ ફોરમ વિખેરાઈ જાય છે. કુદરત પણ પોતાના વડે રંગબેરંગી અને અવનવા કેટલાયે રંગો દ્વારા આ પૃથ્વીને જીવંત બનાવી દે છે. પૃથ્વી પરની આખી ચેતના બદલાઈ જાય છે.

વસંતથી કોયલ રાણીનો મધુર સુર પણ સાંભળવા મળે છે. આંબા પર મ્હોરની શરૂઆત થઈ જાય છે. દરેક વૃક્ષ પોતાના પરથી બધા જ પાન ખંખેરીને નવા પાન ધારણ કરી લે છે. તેમના પર આવેલી કુણી કુણી કુંપળો જોઈને મનને પ્રસન્નતા મળે છે. આખી પૃથ્વી એક નવી નવેલી દુલ્હન જેવી શોભાયમાન થાય છે. આ દુલ્હનને શણગારવામાં ફૂલો પણ પોતાની તરફથી કોઈ ચુક ન રહી જાય તેનું ધ્યાન રાખે છે.

W.D
કદાચ આખા વર્ષ દરમિયાન ક્યારેય પણ જોવા નહિ મળતા હોય એટલા સુંદર અને લોભામણા પુષ્પો આ ઋતુમાં જોવા મળે છે. ચમેલી, ચંપો, મોગરો, ગુલાબ, કેસુડો, સેવંતી આ બધા પુષ્પોની સુગંધ દૂર દૂર સુધી ફેલાઈને ક્યાંક પ્રેમીઓના મનને લોભાવી દે છે. ચમેલીના પુષ્પો વડે તો આખુ વાતાવરણ જાણે કે સુગંધમય બની ગયું હોય તેવું લાગે છે.

ખેતરોમાં લહેરાતો સુંદર પાક જોઈને ખેડુતોના હૈયા ભરાઈ આવે છે. તેઓ ખુશીથી નાચી ઉઠે છે. બધા જ ખેતરોમાં સરસોના સુંદર પીળા ફુલો લહેરાતા જોઈને એવું લાગે છે કે જાણે કુદરતે જાતે નીચે આવીને પીળો ગાલીચો પાથરી દિધો હોય. સવારે મંદ મંદ વાતો પવન અને હલ્કી મીઠી ઠંડી મનને એક અલગ જ તાજગીથી ભરી દે છે. સાંજનો સોનેરી ડુબતો સુરજ વાતાવરણને વધારે આહલાદક બનાવી દે છે. આ કારણે જ લોકો કહેતાં આવ્યાં છે કે વસંત તો ઋતુઓની રાણી છે.