શુક્રવાર, 3 એપ્રિલ 2026
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (09:57 IST)

આમીર ખાન

આમીર ખાન
1988માં કયામત સે કયામત તક ફિલ્મની રીલીઝે બોલીવુડને આમીર ખાન સ્વરૂપે એક નવા જ ચોકલેટી હિરોની ભેટ આપી. આમ તો આમીર ખાન 1973માં ફિલ્મ યાદોં કી બારાતમાં તેમજ 1974માં ફિલ્મ મદહોશમાં બાળ કલાકાર તરીકે અને 1984માં હોલી ફિલ્મમાં અભિનય કરી ચૂક્યો હતો. પરંતુ અભિનેતા તરીકે તેની પહેલી સુપરડુપર હિટ ફિલ્મ હતી કયામત સે કયામત તક. આ ફિલ્મે તેના નામની જેમ જ આમીર ખાનની સાથે જૂહી ચાવલા જેવી પ્રતિભાશાળી અભિનેત્રીની પણ ભેટ આપીને કયામત આણી.

14 માર્ચ 1965ના રોજ મુંબઈમાં જન્મેલા આમીર ખાનના પિતા તાહીર હુસૈન બોલીવુડના જાણીતા પ્રોડ્યસર હતા તો કાકા નાસીર હુસૈન ખ્યાતનામ ડાયરેક્ટર. તેથી દેખીતી રીતે જ અભિનયના ગુણ કેળવતા આમીરને કોઈ ખાસ મુશ્કેલી નડી નહીં. કયામત સે કયામત તક પછી આમીર ખાન બોલીવુડ પર રાજ કરવા લાગ્યો. તે ગાળામાં જ સલમાન ખાને પણ મૈંને પ્યાર કિયા દ્રારા તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. જો કે તેનાથી આમીર ખાનના સ્થાનને ઊની આંચ પણ ન આવી.

1990માં દિલ, 1992માં જો જીતા વોહી સિકંદર, 1993માં હમ હૈં રાહી પ્યાર કે, 1995માં રંગીલા અને 1996માં રાજા હિન્દુસ્તાની જેવી ફિલ્મો આમીરના અભિનયને લીધે જ હિટ ગઈ એમ કહી શકાય. 1998માં આમીરે ગુલામ ફિલ્મમાં આતી ક્યા ખંડાલા ગીત ગાઈને તે ગીત અને ફિલ્મ બંનેને સુપરહિટ બનાવ્યા. 1998માં આમીરે દિપા મહેતાની ઓફબીટ ફિલ્મ અર્થમાં કામ કર્યુ તે અગાઉ 1997માં રીલીઝ થયેલી ઈશ્કમાં આમીરે કોમેડી રોલ નીભાવતા પ્રેક્ષકોને હાસ્ય તરબોળ કર્યા.

2001માં આમીર ખાને પ્રોડક્શન પર હાથ અજમાવવાનું નક્કી કર્યુ. તેના પ્રોડક્શનની પહેલી ફિલ્મ હતી લગાન. આ ફિલ્મ દેશવિદેશમાં લોકપ્રિય અને ચર્ચાસ્પદ બની. 2001માં સની દેઓલની ગદર સાથે સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે સ્થાન પામેલી લગાનને વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીમાં એકેડમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી. જો કે લગાન એકેડમી એવોર્ડથી સહેજ માટે છેટે રહી ગઈ. ત્યારબાદ સતત ત્રણ વર્ષ સુધી આમીરની કોઈ જ ફિલ્મ રીલીઝ ન થઈ.

2005માં એક લાંબા આરામ પછી આમીરે મંગલ પાંડે ધ રાઈઝીંગ દ્રારા બોલીવુડમાં પુનરાગમન કર્યુ. આ ફિલ્મમાં તેનો અભિનય વખણાયો. પરંતુ બોક્સઓફિસ પર ફિલ્મ લાંબુ ન ખેચી શકી. ત્યારબાદ 2006માં તેનો આગલો પડાવ હતો ફિલ્મ રંગ દે બસંતી. જેને 2006માં સૌથી વધુ આવક રળનારી ફિલ્મોમાંથી એક ગણાવાઈ. આ ફિલ્મને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીના ઓસ્કાર એવોર્ડ માટે ભારતના સત્તાવાર નામાંકન તરીકે મોકલવામાં આવી.

2006ની મધ્યે આમીરની બીજી ફિલ્મ રજૂ થઈ ફના. યશરાશ બેનરની આ ફિલ્મ પણ આમીરના અભિનયને લીધે ખીલી ઉઠી.

આમીરે ફિલ્મોમાં આવવા કોઈ પદ્ધતિસરનું શિક્ષણ લીધું નથી. છતાય તે તેની મહેનતના બળે બોલીવુડમાં સ્થાયી થઈ શક્યો છે. 1988માં આમીરે રીના દત્તા સાથે લગ્ન કર્યા. આમીરની પહેલી પત્ની રીનાએ ફિલ્મ લગાનમાં પ્રોડ્યુસર તરીકેની ભૂમિકા નીભાવી તે અગાઉ કયામત સે કયામત તકના સુપરહિટ ગીત પાપા કહેતે હૈમાં એક નાનકડી ભૂમિકામાં દેખાઈ હતી. જો કે તે રીનાએ જ આમીર સાથે લગ્ન કર્યા હોવાની વાત બહુ પાછળથી છતી થઈ.

લગાનના શૂટીંગ દરમિયાન આમીર ડાયરેક્ટર આશુતોષ ગોવારીકરના આસીસ્ટન્ટ તરીકે કામ કરતી કિરણ રાવ તરફ આકર્ષયો. અંતે પહેલી પત્ની રીનાને છૂટાછેડા આપ્યા બાદ 28 ડિસેમ્બર 2005ના રોજ આમીરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા. આમીરે રીનાને છૂટાછેડા આપીને કિરણ સાથે લગ્ન કર્યા તે બદલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મિડીયામાં ઠિક ઠિક ટીકાને પાત્ર બન્યો.

2006માં નર્મદા બચાવો આંદોલન અને ભોપાલ ગેસ દુર્ઘટના સંદર્ભે આમીરે ચળવળકાર જેવી ભૂમિકા નીભાવીને મિડીયાની વાહવાહી મેળવવાનો પ્રયત્ન કર્યો. આમીરના આ નિર્ણયને લીધે ગુજરાતમાં લોક વિરોધ ઉઠતા તે વખતે સમગ્ર દેશમા રીલીઝ થયેલી તેની ફિલ્મ ગુજરાતમાં રીલીઝ થઈ શકી નહીં.

તે જ અરસામાં કોકાકોલા પર પ્રદુષણવાળું ગંદુ પાણી વાપરવામાં આવતુ હોવાનો આક્ષેપ થયો. આમીર કોકાકોલા માટે મોડેલીંગ કરતો હોઈ તેના પર પણ માછલા ધોવાયા. તે સિવાય નેશનલ એવોર્ડ અને ઓસ્કરને બાદ કરતા બધા જ એવોર્ડથી આમીર છેટો રહેતો હોવાથી પણ અવારનાવર તે વિવાદોમાં ઘેરાયો છે.

1988માં કયામત સે કયામત તક ફિલ્મ માટે શ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો એવોર્ડ મેળવનાર આમીર ખાનની ફિલ્મ લગાનને 2002માં નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.