શુક્રવાર, 10 એપ્રિલ 2026
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By પરૂન શર્મા|

સલમાન ખાન

સલમાન ખાન
બોલીવુડના વર્તમાન સમયના સૌથી વિવાદાસ્પદ છતાય લોકપ્રિય હોય તેવા અભિનેતા તરીકેનો કોઈ એવોર્ડ આપવાનો હોય તો તે એવોર્ડ ચોક્કસપણે સલમાન ખાનના ભાગે જ આવે. કદાચ બોલીવુડના સર્વકાલીન વિવાદાસ્પદ અભિનેતા તરીકેનો એવોર્ડ આપવાનો હોય તો તે પણ સલ્લુમિયાંને જ આપી શકાય. 1989માં સૂરજ બડજાત્યાની બ્લોક બસ્ટર લવસ્ટોરી મૈને પ્યાર કિયા દ્રારા બોલીવુડમાં પગ માંડનાર આ અભિનેતા છેલ્લા કેટલાક વર્ષોથી તેના અભિનયને લીધે નહી પરંતુ તેના વિવાદોને લીધે લોકચર્ચા અને મિડીયામાં છવાયેલો રહે છે.

છતાંય તેણે તેના ફિલ્મી કેરીયરને જાળવવામાં સફળતા મેળવી છે તે બદલ સલમાન અભિનંદનને પાત્ર છે. વીતેલા વર્ષોના ખ્યાતનામ સંવાદ લેખક સલીમનો આ લાડલો દિકરો તેની હરકતોને કારણે બોલીવુડ કા બીગડેલા બેટા તરીકેની ઉપાધી પણ મેળવી ચૂક્યો છે. કારણ છે, તેના એશ સાથેના ઉતારચઢાવભર્યા સંબંધો, 1998માં રાજસ્થાન ખાતે કાળિયારનો શિકાર, 2002માં હિટ એન્ડ રન કેસ અને ન જાણે કેટલાય વિવાદો.

27 ડિસેમ્બર 1965ના રોજ ઈન્દોર ખાતે જન્મેલા સલમાને ફિલ્મ બીવી હો તો ઐસી દ્રારા તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. જો કે અભિનેતા તરીકે તેની પહેલી ફિલ્મ હતી 1989માં રીલીઝ થયેલી મૈને પ્યાર કિયા. આ ફિલ્મમાં અભિનય બદલ સલમાનને શ્રેષ્ઠ નવોદિત અભિનેતાની શ્રેણીનો ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયો. ડાયરેક્ટર સૂરજ બડજાત્યા માટે મૈને પ્યાર કિયા સોનાની ખાણ જેવી સાબિત થતા તેમણે 1990ના દાયકાની મધ્યે તેમની ફિલ્મ હમ આપકે હૈં કોનમાં અભિનેતા તરીકે સલમાનને જાળવી રાખ્યો.

સૂરજ અને સલમાનની જોડીની બીજી ફિલ્મે પણ ટંકશાળ પાડતા સૂરજે તેની ત્રીજી ફિલ્મ હમ સાથ સાથ હૈમાં પણ અભિનેતા તરીકે સલમાનને જ પસંદ કર્યો અને આ ફિલ્મ દ્રારા જ ચોકલેટી હિરો તરીકે જાણીતો સલમાન વિવાદપ્રિય હિરો તરીકે જાણીતો બન્યો.

દરમિયાન હમ સાથ સાથ હૈ રીલીઝ થઈ ત્યાં સુધીમાં સલમાને મૈને પ્યાર કિયા અને હમ આપકે હૈં કોન સિવાય પણ પત્થર કે ફૂલ, સનમ બેવફા, કુરબાન, સાજન જેવી પ્રમાણમાં સારો વકરો કરનારી ફિલ્મોમાં અભિનય કર્યો. 1995માં ફિલ્મ કરન અર્જુન દ્રારા સલમાન મેકોમેનની એક શૈલીમાં દેખાયો. તો 2003માં પાગલ પ્રેમી રાધેમોહનની ભૂમિકામાં સલમાને ફિલ્મ તેરે નામને સુપરહિટ બનાવી.

તે સિવાય સલમાનની 2006માં રીલીઝ થયેલી જાને મન અને બાબુલ તેમજ તે અગાઉના વર્ષોમાં રીલીઝ થયેલી મુઝસે શાદી કરોગી, બાગબાન, હમ દિલ દે ચૂકે સનમ, બીવી નંબર વન, જબ પ્યાર કિસી સે હોતા હૈ, પ્યાર કિયા તો ડરના ક્યા, જીત, વીરગતિ વગેરે ફિલ્મો પણ હિટ નીવડી.

1990ના દાયકાની મધ્ય સુધીમાં સલમાન ખાન સુપર સ્ટારનું બિરૂદ મેળવી ચૂક્યો હતો અને આજેય તેને બોલીવુડના ટોપ 5 સ્ટારમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ સલમાન વધુ પડતી પ્રસિદ્ધિના ડોઝને પચાવી શક્યો નથી. તેથી ક્યારેક સીધો સાદો અને માત્ર વર્ષે દહાડે નવી નવી હિરોઈનોના અફેરમાં વ્યસ્ત રહેતો સલમાન હવે નીતનવા વિવાદોમાં ફસાતો રહે છે.

આગળ કહ્યું તેમ હિટ એન્ડ રન કેસ અને શિકારકાંડના લીધે 1998થી સલમાનની કારકિર્દીમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી. પરંતુ સુધરે તે સલમાન. આમ તો લવ અફેર્સની બાબતમાં પણ સલમાને તેના સમયના તમામ અભિનેતાઓને પાછળ છોડી દિધા છે. તેનું સૌથી પહેલું પ્રેમ પ્રકરણ હતું મોડેલ કમ એક્ટ્રેસ સંગીત બિજલાણી સાથે. ત્યારબાદ તેનો પ્રેમસફર સોમી અલી, ઐશ્વર્યા રાયથી લઈને હાલ કેટરીના કેફ પર આવીને અટક્યો છે. સલમાન ઉંમરની ચાલીસી વટાવી ચૂક્યો છે અને તેના નામે વિવાદોની ભરમાર છે.

છતાંય યુવાપેઢીમાં તે મોસ્ટ પ્રીફરેડ બેચલર તરીકે જાણીતો છે. એશ સાથેના પ્રેમ સંબંધો દરમિયાન સલમાન અંગે જાતજાતની ને ભાતભાતની વાતો છપાઈ. પરંતુ તેનાથી તેના પર કે તેની કારકિર્દી પર કોઈ જ અસર ન થઈ. વિવેક ઓબેરાયે સલમાન પર ધમકીભર્યા ફોન કરવાનો આક્ષેપ કર્યો, તેની અને એશની કથિત વાતચીતની ટેપ મિડીયામાં લીક થઈ પણ સલમાન બેફિકર રહ્યો.

કસરતથી શરીરને ચુસ્તદુરુસ્ત કરનાર સલ્લુમિયાંને અમેરીકાથી પ્રસિદ્ધ થતા સામાયિક પીપલે ભારતના શ્રેષ્ઠ દેખાવડા પુરૂષ અને વિશ્વના સાતમા શ્રેષ્ઠ દેખાવડા પુરૂષની ઉપમા આપી છે.