શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By વેબ દુનિયા|

એક મંદિર જ્યા ચઢે છે દારૂ અને સિગરેટ

W.D
સામાન્ય રીતે જોવામાં આવ્યુ છે કે લોકો મંદિરમાં નારિયળ, સિગરેટ, મીઠાઈ વગેરેનો પ્રસાદ ચઢાવે છે, પણ વાત જ્યારે મંદિરમાં દારૂ ચઢાવવાની કે સિગરેટ ચઢાવવાની આવે તો નવાઈ લાગવી સ્વાભાવિક છે. આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ વડોદરાના માંજલપુર વિસ્તારમાં જ્યાં જીવા મામાનુ મંદિર છે. ગુજરાતમાં આમ તો દારૂ પર પ્રતિબંધ છે પણ તેમ છતાં અહીં લોકો પોતાની બાધા પૂરી થતાં ચઢાવે છે દારૂ અને સિગારેટ.

દારૂ અને સિગરેટની સાથે પશુઓને પણ જીવા મામાને અર્પણ કરવામાં આવે છે. આ વાત જેટલી આશ્ચર્યજનક છે તેનાથી પણ વધુ રસપ્રદ છે તેનો ઈતિહાસ.

મંદિરના ઈતિહાસ વિશે અહીં રહેનારા શ્રી ભરતભાઈ સોલંકીએ અમને જણાવ્યુ કે વર્ષો પહેલા આ નાનકડાં ગામના બધા યુવાનો કોઈ ધાર્મિક પ્રસંગે ગામ બહાર ગયા હતા. આ તકનો લાભ ઉઠવાતા ધાડપાડુઓએ ગામમાં ધાડ પાડી. તે સમયે પડોશના ગામમાંથી જીવા નામનો યુવાન પોતાની બહેન અને ભાણિયાને મળવા આવ્યો હતો. ગામમાં લૂંટારૂઓએ ફેલાવેલા આતંકને જોઈને તેણે પોતાના સાહસનો પરિચય કરાવતા લૂંટારૂઓનો સામનો કરવા મેદાને ઉતર્યો. જ્યારે ગ્રામવાસીઓએ એકલા યુવાનને લડતા જોયો તો તેનામાં હિમંત આવી અને તેમણે ધાડપાડુઓનો સામનો કર્યો. બધા ગ્રામવાસીઓને મેદાનમાં ઉતરી આવેલા જોઈને ધાડપાડુઓ ભાગી નીકળ્યા. પરંતુ સખત ઘાયલ થયેલો જીવા ગામને બચાવવામાં શહીદ થઈ ગયો.

ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો

જીવાના બલિદાનને કાયમ યાદ રાખવા ગ્રામવાસીઓએ જીવા મામાનુ એક મંદિર બનાવ્યુ. ગામના લોકો પોતાની મનોકામના પૂરી કરવા અહીં બાધા રાખવા લાગ્યા અને મનોકામના પૂરી થતા પોતાની ખુશીથી આ જીવા મામાની મૂર્તિને દારૂ અને સિગરેટ પ્રસાદના રૂપે ચઢાવવા લાગ્યા. ત્યારથી આજ સુધી આ પરંપરા ચાલુ છે.

W.D
કહેવાય છે કે જીવામામા દારૂ, સિગરેટ અને માંસના શોખીન હતા, તેથી પોતાની મનોકામના પૂરી થયા પછી લોકો દારૂ, સિગરેટ અને પશુઓને પ્રસાદના રૂપમાં ચઢાવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મંદિરના આંગણમાં બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેથી આજકાલ પશુઓના એકાદ લટ કાપીને અહીં મૂકવામાં આવે છે.

કોઈના સાહસ અને બલિદાનને હંમેશા યાદ રાખવા માટે તેનુ સ્મારક બનાવવુ એ ચોક્કસ એક સારુ કાર્ય છે, પરંતુ તેના પર આ રીતે આડંબર કરવુ શુ એ યોગ્ય છે ? કોઈ પણ દેવતાને પ્રસાદ રૂપે માંસ, દારૂ કે સિગરેટ ચઢાવવુ એ તમે કેટલુ યોગ્ય માનો છો ? શુ આજના આ વૈજ્ઞાનિક યુગમાં આ પ્રકારની પરંપરાને સ્થાન આપવુ જોઈએ ? તમે આ વિશે શુ વિચારો છો.... આ શ્રધ્ધા છે કે અંધશ્રધ્ધા ? અમને જરૂર જણાવશો....