દેવાસનુ શ્રાપિત મંદિર
જ્યા ભટકે છે આત્મા.......
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં દર્શન કરો એક અનોખા મંદિરના. આ મંદિરના વિશે લોકોની જુદી જુદી માન્યતાઓ છે. કોઈ કહે છે કે આ મંદિર જાગૃત છે તો કેટલાક લોકોનુ માનવુ છે કે આ મંદિર શ્રાપિત છે. કોઈનો દાવો છે કે અહીંની દેવી ભોગમાં બલિ લે છે તો કેટલાક લોકો કહે છે કે અહીં એક સ્ત્રીની આત્મા ભટકે છે. જી હા, જેટલા મોઢા એટલી વાતો. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના આવેલ આ એતિહાસિક દુર્ગા મંદિર સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. ફોટો ગેલેરી માટે ક્લિક કરો કહેવાય છે કે દેવાસના મહારાજાએ આ મંદિરનુ નિર્માણ કરાવ્યુ હતુ, પણ મંદિર બંધાવ્યા પછી રાજકુંટુબમાં અશુભ ઘટનાઓ થવા લાગી. પરિવારમાં કર્કશ વાતાવરણ ઉભુ થઈ ગયુ. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે અહીંની રાજકુમારીએ રાજ્યના સેનાપતિ સાથે પ્રેમ કર્યો હતો જે રાજાને ગમ્યુ નહી. ત્યારબાદ રહસ્યમય પરિસ્થિતિમાં રાજકુમારીનુ મૃત્યુ થઈ ગયુ અને ત્યાં જ મંદિરના આંગણામાં સેનાપતિએ આત્મહત્યા કરી લીધી. ત્યારબાદ રાજપુરોહિતે રાજાને સલાહ આપી કે આ મંદિર અપવિત્ર થઈ ચૂક્યુ છે. મંદિરમાં સ્થાપિત મૂર્તિઓને અહીંથી હટાવીન ક્યાંક બીજે સ્થાપિત કરી દેવામાં આવે. ત્યારબાદ રાજાએ માઁ ની મૂર્તિને પૂરા સન્માન સાથે ઉજ્જૈનના બડે ગણેશ મંદિરમાં સ્થાપિત કરી દીધી અને માઁ ની એક પ્રતિમૂર્તિને ખાલી સ્થાન પર મૂકી દીધી. પરંતુ ત્યારબાદ પણ આ મંદિરમાં થનારી વિચિત્ર ઘટનાઓમાં કોઈ પણ પ્રકારની કમી ન આવી. અહીંના સ્થાનિક રહેવાસીઓનુ કહેવુ છે કે આ મંદિરમાંથી વિચિત્ર પ્રકારની અવાજો આવે છે. કદી સિંહની ગર્જનાની અવાજો આવે છે તો કદી ઘંટનાદ સાંભળવા મળે છે. કદી સફેદ વસ્ત્રોમાં લપેટાયેલી સ્ત્રીનો પડછાયો અહી ફરતો દેખાય છે. અહીંના લોકો દિવસ આથમતા જ આ મંદિર તરફ આવતા પણ ગભરાય છે. મંદિરમાં સતત દર્શન કરનારા શ્રધ્ધાળુઓમાંથી એક સંજય શલગાવકરે અમને જણાવ્યુ કે આ મંદિરમાં ખોટા ઈરાદે આવતી વ્યક્તિઓનુ હંમેશા અહિત જ થાય છે. કેટલાક લોકોએ મંદિરની જમીનને બીજા ઉપયોગમાં લાવવા માટે મંદિરને ધ્વસ્ત કરવાની કોશિશ કરી પણ તેઓ નિષ્ફળ રહ્યા. મંદિરને ધ્વસ્ત કરવામાં લાગેલા બધા લોકોની સાથે વિચિત્ર ઘટનાઓ બની. અહી કામ કરી રહેલા મજૂરોને ગુબંદમાંથી આગ નીકળતી જોવા મળી. ત્યારબાદ મંદિરને તોડવાનુ કામ વચ્ચેથી જ રોકી દેવામાં આવ્યુ.
હવે આ મંદિર સુમસામ પડ્યુ રહે છે. સંજય બતાવે છે કે મંદિરનુ એકાંગ જોઈને જો કોઈ વ્યક્તિ અહી અનૈતિક કૃત્ય કરવાની કોશિશ કરે છે તો તેને શારીરિક કષ્ટ વેઠવું જ પડે છે. અમારી સામે આવી અનેક ઘટનાઓ થઈ છે. હવે આ ઘટનાઓ સાચી છે કે અફવા. આ વિશે દાવાથી કશુ નથી કહી શકાતુ. પણ મંદિર સાથે જોડાયેલી વિચિત્ર ઘટનાઓને કારણે આ મંદિર તરફ કોઈ જોતુ પણ નથી. મંદિરના વાસ્તુને જોઈને લાગે છે કે આ મંદિર કોઈ જમાનામાં ઘણુ જ સુંદર રહ્યુ હશે પણ હવે આ ખંડેરમાં ફેરવાઈ રહ્યુ છે. કેટલાક લોકો આસ્થાવશ અહીં દર્શન કરવા આવે છે. પરંતુ અકલ્પિત ભયને કારણે તેઓ દિવસ આથમતા પહેલા જ મંદિરની હદ બહાર નીકળી જાય છે. તમે આ વિશે શુ વિચારો છો, અમને જણાવજો.