ઉત્તરાયણના દિવસે નાના બાળકો પરથી બોર કેમ ઉછાળવામાં આવે છે ? જાણો પરંપરા કેવી રીતે શરૂ થઈ
ગુજરાતમાં રહો છો કે ગુજરાતી છો તો આપ સૌએ જોયુ હશે કે જે બાળકો 1-2 વર્ષના હોય છે તેમની પરથી ઉત્તરાયણના દિવસે બોર ઉછાળવામાં આવે છે. એવુ કહેવાય છે કે આવુ કરવાથી બાળકો જલ્દી બોલતા થાય છે. આ પરંપરા પહેલા જે બોલવાની ઉંમર સુધી પણ બોલતા ન થાય તેમને માટે શરૂ થઈ હતી. પરંતુ આજકાલ ગુજરાતમાં મોટાભાગે જેમના ઘરે નાનુ બાળકો તે દરેક લોકો કરે છે.
આ પરંપરા મુજબ 3 થી 5 કિલો કે તમારી શ્રદ્ધા જેટલા બોર કે બાળકના વજન જેટલા બોર લાવવામાં આવે છે. તેમા થોડી ચોકલેટ પણ ઉમેરવામાં આવે છે. આસપાસના લોકો અને ખાસ કરીને નાના બાળકો જે બોર ખાઈ શકે તેમને ભેગા કરવામાં આવે છે. પછી બાળકની ફોઈ કે મમ્મી બાળકને ખોળામાં લઈને બેસે છે અને બાળકની દાદી કે મમ્મી તેના માથા પર બોર ઉછાળે છે અને બાળક નાનુ હોય છે તેથી તેની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સ્ટીલની ચારણી જેનાથી તેનુ માથુ ઢંકાય જાય તે તેના પર ઉંઘી પકડવામાં આવે છે અને બોર ઉછાળનાર આ ચાયણી પર એક એક મુઠ્ઠી ભરીને બોર નાખતુ રહે છે. આસપાસ ભેગા થયેલા લોકો આ બોર ભેગા કરે છે.
આ પરંપરા મૂળ ક્યાની છે ?
આ પરંપરાનુ મૂળ જોવા જઈએ તો આ નડિયાદના સંતરામપુર મંદિરની છે. જ્યા દર વર્ષે પોષી પૂમના દિવસે લોકો રાજ્યના ઠેક-ઠેકાણેથી નડિયાદ ખાતે આવીને બોર ઉછાળી બાળકની કિલકારી માટે રાખેલી માનતા પૂર્ણ કરે છે. પોતાનું બાળક બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેના માટે અનેક શ્રદ્ધાળુઓ પોષી પૂનમે મંદિર પ્રાંગણમાં બોર ઉછામણીની બાધા રાખે છે. બાધા પૂર્ણ થાય એટલે સંતરામ મંદિર આવીને બોર ઉછાળી બાધા પૂર્ણ કરે છે. જે લોકો અહી નથી આવી શકતા તે મનમાં શ્રદ્ધા રાખીને ઘરમાં જ આ બોર ઉછેરવાની પરંપરા કરે છે.
સંતરામ મહારાજના સમાધી સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાગણમાં સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે બોર ઉછાળે છે. ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે. અહીં બાધા પૂરી કરવા આવેલા કુટુંબીજનો આસ્થા અને વિશ્વાસથી બોર ઉછાળે અને જય મહારાજ બોલીને બાધા પૂરી કરે છે. પોષી પૂનમના દિવસે અહીં સેંકડો મણ બોર ઉછાળવામાં આવે છે. આ ઉપરાંત આજે પોતાના ખેતરમાં ઉગાડેલું પ્રથમ ધાન્ય, અને પહેલું દૂધ મહારાજશ્રીને અર્પણ કરવામાં આવે છે. તેવા ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે આવેલા શ્રી સંતરામ મંદિર ખાતે રાજ્યભરમાંથી અને બહારથી પણ ખાસ કરીને ગ્રામ્ય માંથી સંતરામ ભક્તો આવી બોર ઉછાળી, અને સંતરામ મહારાજની સમાધિના દર્શન કરે છે. મહંત પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. સંતરામ મંદિરમાં પોષ સુદ પૂનમે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ સર્જાય છે.
કેવી રીતે શરૂ થઈ આ પરંપરા ?
યોગીરાજ અવધૂત સંતરામ સ્થાન દત્તાત્રેય ભગવાનનો અવતાર છે. વર્ષો પહેલાં એક ભક્ત સંતરામ મહારાજની શરણે આવ્યો હતો અને પોતાનું બાળક બોલતું નહોતુ હોવાનું જણાવ્યું હતું. એ બાદ મહારાજના આશીર્વાદ મેળવતાં આ બાળક ચમત્કારી રૂપે બોલતું થયું. એ સમયે ભક્તના ખેતરમાં બોર હતા અને ભક્તે આ બોરને મંદિરમાં લાવી માનતા રૂપે ઉછાળ્યા હતા. બસ, ત્યારથી જ આ પરંપરા મુજબ હજારો શ્રદ્ધાળુઓ આ દિવસે અહીં પોતાનું બાળક બોલતું થાય એ શ્રદ્ધા સાથે સંતરામ મહારાજની જ્યોતનાં દર્શન કરી માનતા પૂરી કરે છે.