બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By સુધિર પિમ્પલે|

પૂજાઘર

ઘરમાં જો ભગવાનની પૂજા થતી હોય તો ઘરની પવિત્રતા જળવાઇ રહે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક ઘરમાં એક પૂજાઘર તો હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજાઘર ઉત્તર-પૂર્વ અર્થાત ઇશાન ખૂણામાં રાખવું જોઇએ. આ પૂજાઘરમાં મૂર્તિ ઉત્તર-પૂર્વ દિશા તરફ રાખવી જોઇએ.

વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, સૂર્ય તથા કાર્તીકેયને પશ્વિમ અથવા પૂર્વ દિશા તરફ તેમનુ મોં રાખવું જોઇએ. કુળ દેવી, ચામુંડા, કુબેર, ગણેશ, અને ભૈરવની સ્થપના દક્ષિણામુખ અને હનુમાનજીની સ્થાપના નૈરૂત્ય અને વિષ્ણુ, શિવલિંગ અને બ્રહ્મા વગેરે દેવતાનુ મોં કોઇપણ દિશામાં રાખી સ્થાપના કરી શકાય. બેસીને પૂજા કરવી જોઇએ. ઉંચી જગ્યાએ પૂજા ઘર બનાવવું ન જોઇએ જેથી ઉભા રહીને પૂજા કરવી પડે.

શયનખંડમાં પૂજાઘર બનાવવું ન જોઇએ. પૂજાઘરની ઉપર કે નીચે શૌચાલય રાખવું ન જોઇએ. પૂજાઘરમાં સફેદ અથવા આછા પીળા રંગની દિવાલ અને ફર્શ હોય તો શુભ ગણાય.દિવાલ પર આછો વાદળી રંગ પણ કરવામાં આવે છે. પૂજાઘરમાં પૂર્વ અથવા ઉત્તર દિશામાં બારી રાખવી જોઇએ. અગ્નિખૂણામાં દિવો અથવા પ્રકાશ કારક, અગ્નિ સંબંધી ઉપકરણો રાખવા જોઇએ.

પૂજાઘર અલગથી બનાવવામાં આવ્યું હોય તો તેની છત ઢોળાવવાળી કે પિરામીડ આકારની બનાવવી ફાયદાકારક છે. પૂજાઘરમાં સામાન રાખવા કબાટ પશ્વિમ અથવા દક્ષિણ દિશા તરફની દિવાલ તરફ રાખવા જોઇએ. પૂજાઘરમાં મૂર્તિની સામે તિજોરી રાખવી ન જોઇએ, તેમજ પ્રવેશદ્વારની બિલકૂલ સામે મૂર્તિ ન રાખવી. પૂજાઘરમાં નાનું મંદિર રાખવું જોઇએ. ખંડીત મુર્તિ રાખવી ન જોઇએ.

પૂજાઘરમાં નકામી ચીજવસ્તુઓ તથા વજનદાર વસ્તુ રાખવી ન જોઇએ. પૂજાઘરનો દરવાજો લોખંડનો કે ગ્રીલનો દરાવાજો ન જોઇએ, દરવાજો લાકડાનો રાખવો જોઇએ. પંદર મિનીટથી વધારે ધ્યાન કે સમાધિમાં બેસવું હોય તો મુર્તિની બિલકૂલ સામે બેસવાની અપેક્ષાએ, થોડા આજુબાજુ ખસીને બેસવું જોઇએ.

ભાવાનુવાદ - કર્નલ કુમારદુષ્‍યંત