ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2017
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (13:37 IST)

એક સપ્તાહમાં જમીન નહીં મળે તો વાઈબ્રન્ટનો વિરોધ કરાશે - જિજ્ઞેશ મેવાણી

રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજીને ગ્લોબલ અને વિદેશી કંપનીઓને પાણીના ભાવે સેંકડો એકર જમીન ફાળવવામાં આવે છે, પણ દલિતોને જમીન અપાતી નથી તેવો આક્રોશ દલિત અધિકાર મંચે વ્યક્ત કર્યો હતો. દલિત અધિકાર મંચે ધંધૂકાની 500 એકર જમીન ફાળવવાની માગણી કરી હતી. આ સાથે તેમણે દલિતો, આદિવાસી, ઓબીસીને સાત દિવસમાં તેને ફાળવાયેલી જમીનનો કબજો નહીં અપાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકાશે ઉપરાંત વાઈબ્રન્ટ સમારોહમાં ઘૂસી ઉગ્ર વિરોધ કરાશે તેવી ચીમકી દલિત અધિકાર મંચે વ્યક્ત કરી હતી. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે વિશ્વભરની કંપનીઓને ઘરઆંગણે બોલાવીને જમીન આપવામાં આવે છે, જ્યારે વર્ષોથી ફાળવાયેલી જમીનો પર કબજો દલિતો, આદિવાસીઓ અને ઓબીસીને ફાળવવામાં આવતો નથી. પરિણામે ગુજરાતી કહેવત ‘ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ જેવી સ્થિતિ થઇ છે. ધંધૂકા તાલુકા અને વિસ્તારના ખરડ, પાંચી, મહાદેવપુરા, બાવલીયારી, બુરાનપુર, રામપરા, રાયકા, અડવાળ, અવળ, સાંગણપુર, કુંડળ, ચોકડી, કાજીપુર, ગોગલા, ફેદરા, ચેર, મોટા ત્રાડિયા, કુંડલી, આકરું, અલમપુર, નાવડા, રેફડાની જમીન ધંધૂકા તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીને ફાળવવામાં આવી છે. આમ છતાં આજદિન સુધી જમીન ફાળવણીના હુકમમાં જમીન સહકારી મંડળીના નામે થઇ નથી. જમીનનો કબજો પણ મળતો નથી. વાસ્તવમાં આવી જમીન પર કબજો ધરાવતા મૂળ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.